વિશ્વનું તોરણ બની ગયેલું કચ્છનું સફેદ રણ છેલ્લા કેટલાક સમયથી દેશવિદેશના પ્રવાસીપ્રેમીઓને આકર્ષી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છને વિશ્વ પ્રવાસનના નક્શા પર લાવીને મુકી દીધું હતું. ત્યાં રણોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને બંજર રણ જેવા સાવ અજાણ્યા સ્થળને પ્રવાસધામ બનાવ્યું. હવે કચ્છના પ્રવાસન વિકાસને વૈશ્વિક મોડેલ બનાવવા માટેની સક્રિય વિચારણા ચાલી રહી હોવાનું કેન્દ્રના પ્રવાસન, સાંસ્કૃતિક અને ઉડ્ડયન રાજ્ય પ્રધાન ડો. મહેશ શર્માએ જણાવ્યું છે.
ગત સપ્તાહે ધોરડોના સફેદ રણમાં પ્રવાસન વિભાગની પરામર્શક સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર રાષ્ટ્રના પ્રવાસન વિકાસનું ચિંતન સફેદ રણમાં થયું હતું. જે રીતે કચ્છના રણમાં પ્રવાસના રૂપે જંગલમાં મંગલ સમાન દૃશ્ય ઊભું થયું છે ત્યારે આ સમિતિના સભ્યો એવા સાંસદોએ પોતાના વિસ્તારમાં પણ આ રીતે પ્રવાસન વિકાસ થઈ શકે કે કેમ તે અંગે શક્યતાઓ ચકાસવા મંત્રાલયને સૂચન કર્યું હતું. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ડો. શર્મા સમક્ષ ભૂજથી દિલ્હીની સીધી ફ્લાઇટ શરૂ કરવા સૂચન કર્યું હતું.