ગાંધીનગર: પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો ખિતાબ પણ મળ્યો છે. એ પછી હવે ગુજરાતની વધુ એક સાઇટ કચ્છના ફ્લેમિંગો સિટીને વર્લ્ડ હેરિટેજની નેચરલ સાઇટ કેટેગરીમાં સમાવવા માટેની દરખાસ્ત મોકલવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
વર્લ્ડ હેરિટેજની નેચરલ સાઇટ માટે યુનેસ્કોને પ્રપોઝલ કરવામાં આવી હોય તેવી આ પ્રથમ સાઇટ બનશે. ગુજરાતમાં યાયાવર પક્ષીઓનો સૌથી વધુ સમૂહ આ સ્થળે આવતો હોવાથી અને તે યાયાવર પક્ષીઓ માટેનું નેચરલ હેબિટાટ હોવાથી રાજ્ય સરકારે વર્લ્ડ હેરિટેજ નેચરલ સાઇટ કેટેગરીમાં સમાવવાની દરખાસ્ત યુનેસ્કોને મોકલવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.