ભુજ: અમેરિકામાંથી પ્રકાશિત થતાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પડાયેલી ભારતના ટોચના ૧૦૦ ધનિકોની યાદીમાં કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને સ્થાન મળ્યું છે. કેમિકલ અને દવાઓનું ઉત્પાદન કરતા આરતી ઇન્ડસ્ટ્રીઝના આ માલિકોએ ૧.૩૯ બિલિયન ડોલર્સ વધારે સંપત્તિ સાથે ભારતમાં ૯૬માં ક્રમે ધનિક બન્યા છે.
ફોર્બ્સની યાદીમાં પ્રથમવાર એન્ટ્રી મેળવનાર આ બંન્ને કચ્છી માદરે વતન અને મુંબઇમાં અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે. કચ્છી અઝીમ પ્રેમજી બાદ દેશના ધનિકોમાં સ્થાન મેળવનાર ગોગ્રી બંધુ હાલમાં રૂ. ૧૦૧૯૪૨૬૦૦૦૦૦ સ્થાવર અને જંગમ મિલકતો ધરાવે છે. માંડવી તાલુકાના ભાડિયાના આ ઉદ્યોગપતિઓએ મુંબઇમાં નવનીત કચ્છી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ ઉપરાંત મુંબઇ મહાજન, સહિયારું અભિયાન સહિતની સંસ્થાઓમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે.