ગાંધીધામઃ કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હારમોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા ૩૦૦થી વધુ હારમોનિયમ દર્શનાર્થે રખાયા છે અને આ તમામ હારમોનિયમની પૂજા પણ કરવામાં આવે છે. આ અનોખા મંદિરનું નિર્માણ પાલુભાઇ વીરમભાઇ ગઢવી (ભજનાનંદી)એ કર્યું છે. અહીં પૂ.નારાયણ સ્વામીએ વગાડેલા હારમોનિયમ, સાણંદ ઠાકોર સાહેબ વગાડતા એ હાર્મોનિયમ પણ છે. ભચાઉના આ અનોખા હાર્મોનિયમ મંદિરની વિશેષતા છે કે, અમુક કંપનીઓ જે ૪૦-૫૦ વર્ષ પહેલાં બંધ થઇ ગઇ એ કંપનીના હારમોનિયમ પણ અહીં છે. ૧૨૫થી ૧૩૦ વર્ષ જૂના હારમોનિયમ જેમાં બે સપ્તકથી સાડા ચાર સપ્તક સુધી, તો સિંગલ લાઇનથી લઇને ચાર લાઇન સુધીના હારમોનિયમ દર્શનાર્થે રાખવામાં આવ્યા છે.