અમદાવાદઃ કચ્છની મહિલાઓ દ્વારા ઝીણુ કાંતીને ભરતકામની જે કલા વિકસાવવામાં આવી છે તેનું મૂલ્ય બજારમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે. કચ્છી ભરતકામના કપડાં ખૂબ મોંઘા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે, પરંતુ તેનાથી પણ વધારે કિંમતી કહી શકાય તેવું એક નવું સંશોધન થયું છે. કચ્છના આ ભરતકામાથી હવે મનોરોગોની સારવાર કરવાની નવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે! કચ્છની અને હાલ અમદાવાદ સ્થિત મહિલા સંશોધકો દ્વારા ‘ગ્રાફોથેરાપી’ નામની તૈયાર કરવામાં આવેલી આ ઉપચાર પદ્ધતિથી અનેક દર્દીઓના માનસિક ખરાબ સ્થિતિના પ્રશ્નો હલ થયાં છે.
વિશ્વભરમાં લોકો પર ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકો અને યુવાનો ઈન્ટરનેટ એડિક્ટ થઈ ગયા છે. આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિનો અભાવ આવી રહ્યો છે. આ તમામ પ્રશ્નો વિશ્વભરના મનોચિંતકો માટે ચિંતાનો વિષય બન્યાં છે. આ સમયે કોઈ બાહ્ય દવાઓના બદલે કુદરતી રીતે જ લોકોની આ સમસ્યા દૂર થાય તેવી સારવાર પદ્ધતિનો અભાવ છે. આ સ્થિતિ વચ્ચે વાત કરવામાં ખૂબ જ સરળ છતાં ગંભીર અને મહત્ત્વની કહી શકાય તેવી આ ‘ગ્રાફોથેરાપી'’ની વાત કંઈક એમ છે કે, કચ્છની મહિલાઓએ વિકસાવેલી કલામાં ખૂબ જ ઝીણવટભર્યું ભરતકામ હોય છે. બસ આ બારીક ભરતકામ કરીને જ દર્દીઓને સાજા કરવામાં આવે છે. આ સારવારમાં ગણિતમાં વિદ્યાર્થીઓને જે ગ્રાફપેપર આવે છે તેના પર કચ્છી ભરતની ડિઝાઈન દર્દીઓએ નિયમિતપણે નિયત સમય માટે બનાવવાની હોય છે. તેમાં જુદા જુદા રંગોનો ઉપયોગ થાય છે. ડિઝાઈન બનાવતી વખતે દર્દીનું ધ્યાન કેન્દ્રિત થાય છે. જેના દ્વારા દર્દી એક તબક્કે એક ધ્યાનની અવસ્થામાં આવી જાય છે. જેનાથી મન સ્થિર થતાં માનસિક પ્રશ્નો હલ થઈ જાય છે!
આ સારવાર પદ્ધતિના પ્રણેતા અબડાસા તાલુકાના વતની અને હાલ અમદાવાદ સ્થિત ડો. રાજુલ નિખિલ શાહ જણાવે છે કે, આ સારવાર માટે કચ્છી ભરતકામ જ નહીં, પરંતુ આ પદ્ધતિમાં હવે તેઓ કચ્છની વર્ષ ર૦૧૩માં તેમણે પોતે જ વિકસાવેલી લિપિના શબ્દો, ગણિતના સંકેતો અને કલર થેરાપીનું પણ મિશ્રણ કર્યું છે. દર્દીને જેવા પ્રકારની સમસ્યા હોય તેને પારખીને નિદાન કર્યા બાદ એ પ્રકારની ડિઝાઈન અને કલર નિશ્ચિત કરીને ગ્રાફપેપર પર બનાવવા આપવામાં આવે છે. વર્ષ ર૦૦૭થી તેઓ આ થેરાપી અંગે સંશોધન કરી રહ્યા હતા. વર્ષ ર૦૧૧માં સંશોધન પૂરું કર્યા બાદ દર્દીઓ પર પ્રયોગો શરૂ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, દર વર્ષે રપ૦થી વધુ દર્દીઓ પર તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે.