રાજકોટઃ ઊંટ એ રણનું જહાજ ગણાય છે, રણ વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન માટે ઊંટનો ઉપયોગ થાય છે, પરંતુ કોઇ આપણને એમ કહે કે ઊંટ માત્ર રણમાં જ નથી ચાલતું, રણ વિસ્તારમાં આવેલી દરિયાઈ ખાડીમાં તરી પણ શકી છે તો આપણે તે વાતને સાચી માનવા તૈયાર નથી હોતા. જોકે આ વાત તદ્દન સાચી છે. આજે પણ કચ્છના રણ વિસ્તારમાં આવેલા માલધારીઓ પાસે એવા કેટલાક દુર્લભ જાતિના ઊંટ છે, જે રણની ગરમ ધરા ઉપર ચાલવાની સાથે દરિયાઇ ખાડીમાં તરીને પોતાનો ખોરાક મેળવી શકે છે. આ ઊંટ ખારાઈ ઊંટ તરીકે ઓળખાય છે.
કચ્છની ધરાના માલધારી સમાજના લોકો આ ઊંટનો ઉપયોગ તેમના માલસામાન સાથે પરિવહન માટે કરે છે. પરિવહનના કાર્ય માટે ઉપયોગમાં આવતા આ ઊંટ દૂધ પણ આપતા હોય છે અને તેનું દૂધ ખૂબ જ પોષક મૂલ્યો ધરાવતું હોવાનું અભ્યાસમાં સાબિત થયાનું માલધારીઓ માટે કાર્યરત સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું.
કચ્છના ખારાઈ ઊંટ અલભ્ય જાતિમાં ગણાય છે. આ ઊંટની વિશેષતા એ છે કે તે દરિયાઈ ખાડીમાં તરી પણ શકે છે. ગમેતેવા કાદવકીચડમાંથી પણ તે ચાલીને બહાર નીકળી શકે છે. સવારે તેમજ સાંજે બે ટાઈમ ઊંટ ૩થી ૪ લીટર દૂધ પણ આપે છે.
કચ્છ ઊંટ ઉછેરક સંસ્થાના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે, અગાઉ ઊંટના દૂધની ખૂબ ઓછી કિંમત ઉપજતી હતી, પરંતુ હવે પ્રતિ લીટર રૂપિયા ૫૧ જેટલી રકમ મળે છે. કચ્છની સરહદી ક્ષેત્રની ડેરીઓમાં રોજનું ૨૫૦૦ લીટર જેટલું ઊંટનું દૂધ એકત્રિત કરવામાં આવે છે. માલધારીઓને ઊંટના દૂધની સારી કિંમત મળતા હવે તેઓને એક આમદાનીનું સાધન મળી રહ્યાનું ભીખાભાઈએ વધુમાં જણાવ્યું હતું.
ઓલાદ સંરક્ષણ અને માલધારી સમાજના ઉત્કર્ષ માટે તાજેતરમાં રાજકોટ ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં અલભ્ય એવા ખારાઈ ઊંટની વિશેષતા અને સંવર્ધન માટે સહજીવન સંસ્થા દ્વારા વાત રજુ કરાઇ હતી.
રાજકોટ ખાતે સરહદ ડેરીના ચેરમેન વાલમભાઈ હુંબલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સહાયથી કચ્છમાં ભારતનું પહેલું કેમલ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. અમુલ ડેરી દ્વારા ઊંટના દૂધમાંથી પાઉડર, ચોકલેટ સહિતની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. ધીરે ધીરે ઊંટના દૂધની વસ્તુઓ લોકપ્રિય બની રહી છે. કચ્છમાં હાલ ૧૨ હજાર જેટલાં ઊંટ જોવા મળે છે. જોકે તેમાંથી ૨૫૦૦ જેટલા જ ખારાઈ
ઊંટ છે.