અમદાવાદઃ સ્થાનિક માલધારીઓ, સરહદે ફરજ બજાવતા સૈનિકો અને પ્રવાસીઓએ કચ્છના રણના બન્નીના ઘાંસિયા મેદાનો અને આસપાસના વિસ્તારોમાં ગેબી પ્રકાશ જોયો હશે. તેને સ્થાનિક ભાષામાં છરબત્તી તરીકે ઓળખાય છે. છરબત્તીએ કેટલીય માન્યતાઓ અને વાર્તાઓને જન્મ આપ્યો છે. કચ્છના પક્ષીવિદ્ નવીન બાપટ જણાવે છે કે ક્ષારવાળી જમીન ધરાવતું કચ્છી રણ સપાટ પ્રદેશ છે. રાત્રે આઠ વાગ્યા પછી અહીં સંપૂર્ણ અંધકાર હોય. ક્ષિતિજથી ૩૦ અંશની ઊંચાઈએ સામાન્ય રીતે બધાએ પ્રકાશના ગોળા જોયા હોવાના દાવા થાય. જમીનથી બેથી અઢી ફૂટ સુધી ઊંચાઈએ જોવા મળતા આ પ્રકાશનો રંગ વાદળોની વચ્ચે છૂપાયેલા પીળા ચંદ્રમાં જેવો હોય છે. કેટલાક લોકોએ તેનો પીછો કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો છે, પણ હવામાં તીવ્ર વેગથી સરકીને દૂર જઈને આ પ્રકાશના ટુકડા થઈ જાય છે. વળી અમુક લોકોને તો આવો પ્રકાશ તેમનો પીછો કરતો હોવાની અનુભૂતિ પણ થઈ છે! આવો પ્રકાશ કાયમી કે નિયમિત દેખાતો હોય તેવું નથી. કુદરતી પરિબળોનો સમન્વય થાય ત્યારે આકસ્મિત રીતે જ આગનો ગોળો સર્જાય છે.
વિશ્વમાં પણ આવી ઘટના
અમેરિકાના કેલિફોર્નિયા અને ઈન્ડોનેશિયાના જકાર્તા જેવા રણ કે સપાટ પ્રદેશોમાં પણ આવો જ ગેબી પ્રકાશ દેખાય છે. ત્યાં ઊડતી રકાબી અને પરગ્રહવાસીઓની માન્યતા આ ગેબી પ્રકાશ સાથે જોડાયેલી છે. આ સિવાય અન્ય સ્થળે બનતી આવી ઘટનાઓ સ્થાનિક ચર્ચાઓ પૂરતી રહે છે.
મારફા લાઈટ
અમેરિકાના મારફા વિસ્તારના કચ્છના રણ જેવા જ પ્રદેશમાં પણ ગેબી પ્રકાશ દેખાતા હોવાના કિસ્સા બન્યા છે. અમેરિકા સમૃદ્ધ દેશ છે માટે ત્યાં આ અંગે સંશોધનો પણ થયા છે. મારફા વિસ્તારમાં દેખાતા આ પ્રકાશને અમેરિકામાં મારફા લાઈટ નામ અપાયું છે.
વિજ્ઞાનનો તર્ક
વિજ્ઞાનના એક તર્ક અનુસાર મિથેન, ફોસ્ફાઈન, અને ડાયફોસ્ફેટના મિશ્રણના કારણે આવો પ્રકાશ ઉદ્ભવે છે. કચ્છના પેટાળમાં વિવિધ પ્રકારના કુદરતી વાયુનો ભંડાર હોવાની વાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે. માટે આ તર્ક સૌથી વધુ સુસંગત છે. ડાયફોસ્ફેટ અને ફોસ્ફાઈનનું મિશ્રણ હવાના ઓક્સીજન સાથે પ્રક્રિયા કરીને સ્વયંભૂ સળગે છે. આ ચીનગારી મિથેન સાથે ભળીને આગનો ગોળો બનાવે છે. હવામાં રહેલો મિથેન મળી જાય એટલે આગનો ગોળો નાશ પામે છે. અલ્પ સમય માટે જ તેનું અસ્તિત્વ હોય છે.