• ફળના વેપારીને ત્યાંથી રૂ. બે કરોડનું કાળું નાણું પકડાયુંઃ ઉત્તર ગુજરાતના કુકરવાડા અને વિસનગરમાં ઇન્કમટેક્સ વિભાગે ગત સપ્તાહે કરેલી દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં કુકરવાડાના જવેલર્સની રૂ. છ કરોડની અને વિસનગરમાં ફળ વેચતી પેઢીમાંથી રૂ. બે કરોડની મળીને આશરે રૂ. આઠ કરોડની કરચોરી પકડાઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કુકરવાડાના ચોકસી બજારમાં આવેલા ઉત્તર ગુજરાતમાં જાણીતા ચાર જ્વેલર્સની પેઢી તથા વિસનગર શાક માર્કેટમાં આવેલી ફ્રૂટની પેઢીમાં આવકવેરા અધિકારીઓએ સર્ચ કામગીરી શરૂ કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ટીમોએ તપાસ હાથ ધરતાં અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો તેમ જ કેટલાક કરચોરોએ ધંધાના દસ્તાવેજો પણ સગેવગે કર્યા હતા.
• કેશુભાઈ પટેલના મોટા બહેનનું નડિઆદમાં નિધનઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના મોટાબહેન મણીબેન કાશીભાઈ પટેલ (૯૪)નું ગત સપ્તાહે નડિઆદમાં અવલાન થયું છે. સદ્ગતની સ્મશાનયાત્રામાં કેશુભાઈ પટેલ સહિત પરિવારજનો જોડાયા હતા. ઘણા વર્ષો અમેરિકામાં વિતાવ્યા બાદ છેલ્લા ૧૫ વર્ષથી તેઓ નડિઆદમાં સ્થાયી થયાં હતા. સ્વ. મણીબાના પાંચ દીકરા અને બે દીકરીઓ અમેરિકામાં સ્થાયી થયા છે.
• ચારૂસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ડિસેમ્બરમાંઃ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી–ચારૂસેટનો ચતુર્થ પદવીદાન સમારોહ ૨૦ ડિસેમ્બરે યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાશે. રૂ. ૧૦૦ કરોડથી પણ વધુના રોકાણથી સ્થપાયેલ ચારૂસેટ યુનિવર્સિટી રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળની ૨૦ યુનિવર્સિટીમાં સ્થાન પામવાનું ધ્યેય ધરાવે છે તેમ જ લાંબા ગાળે ચારૂસેટ એક વૈશ્વિક યુનિવર્સિટી બનવા જઈ રહી છે.
• બનાસકાંઠામાં ભૂકંપના આંચકાઃ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર અને કચ્છ નજીકના બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં ૨૩ નવેમ્બરે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવતા સ્થાનિક નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ડિસા પાસેના માંડલ ગામના લોકોએ ક્ષણિક ધ્રુજારી અનુભવી હતી. રિક્ટર સ્કેલ ઉપર ત્રણની તીવ્રતા ધરાવતો ભુકંપ હાનિકારક ન હોવા છતાંયે સ્થાનિક સ્તરે અફવાને કારણે લોકોના જીવ તાળવે ચોંટયા હતા.