નરાયાણ સરોવરઃ કચ્છની પાકિસ્તાન સરહદે આવેલા સિરક્રીક પાસે ૨ પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળ્યાના ગણતરીના દિવસોમાં જ કચ્છની દરિયાઈ સરહદમાં આવેલા લક્કીનાલા પાસેથી રૂ. ૧૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્તો ઝડપાયો છે. રવિવારે સાંજ પછી સોમવારે સવારના સમયે બોર્ડર સિક્યોરિટી ફોર્સની ૧૦૮ બટાલિયનના જવાનોને વધુ એક હેરોઇનનું પેકેટ મળી આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પાકિસ્તાની બોટ બિનવારસી મળ્યા બાદ આ બોટ મારફત ઘુસણખોર ઘુસ્યા હોવાની સંભાવનાને પગલે બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ ઘૂસણખોરોને ઝડપવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું તેવા અહેવાલ છે. જોકે આ સર્ચ ઓપરેશનમાં અણધારી સફળતા મળવા પામી હોય તેમ ડ્રગ્સના ૨ પેકેટ કે જેની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત રૂ. ૧૦ કરોડ જેટલી થવા જાય છે તે જથ્થો પકડી પાડ્યો છે.
મે માસમાં પાકિસ્તાનથી આવેલી ‘અલમદિના’ બોટમાંથી ડ્રગ્સનો મોટું કન્સાઇમેન્ટ પકડી પાડ્યા પછી પકડાયેલા માણસોએ ૧૩૬ પેકેટ દરિયામાં ફેંકી દીધાની કબૂલાત કર્યા બાદ સઘન શોધખોળ દરમિયાન જુલાઈ મહિના સુધીમાં ૧૫ પેકેટ મળ્યા હતા. રવિવારે અને સોમવારે લક્કીનાલા પાસે વધુ ૨ પેકેટ મળતાં આ આંકડો ૧૬ પર પહોંચ્યો છે.