ભૂજઃ કચ્છમાં અદ્યતન વીજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારે રસ દાખવ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં રાત્રે અજવાળું રહે એવા અનોખા પ્રોજેક્ટ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું સ્માર્ટ વિદ્યુત માળખું બનાવીને ભારત સરકારે અત્યાર ફક્ત કચ્છ જિલ્લામાં એક અબજથી વધુ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને અડીને આવેલા આ સરહદી જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર સમુદ્રથી જોડાયેલો હોવાથી ક્ષારના આક્રમણને કારણે વીજરેષા જર્જરિત થઇ જતા હોવાથી હંમેશાં વીજસમસ્યા સતાવતી રહે છે. આથી તેના કાયમી ઉકેલ માટે કોટિંગ કરેલા બંચ કેબલથી વીજપુરવઠો પૂરો પાડવાના કામને મોટાભાગે આ યોજનામાં આવરી લેવાયું છે. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પી.આર. વ્યાસે જણાવ્યું હતું કે, કચ્છના ગ્રામીણ વિસ્તાર માટે ભારત સરકારે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો નિર્ણય લઇ રૂ. ૪૮ કરોડ ફાળવ્યા છે.
પહેલી વખત એક નવતર યોજનાનો પ્રોજેક્ટ વીજતંત્ર તરફથી બનાવવામાં આવ્યો છે જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના કન્વીનર તરીકે કચ્છના કલેક્ટર મહેન્દ્ર પટેલ અને અધ્યક્ષ તરીકે સાંસદ વિનોદ ચાવડા છે.
કંડલા બંદરે રૂ. ૧,૦૦૦ કરોડનું ડ્રેજિંગ કૌભાંડઃ ભારત સરકાર દ્વારા સંચાલિત દેશના બંદરો પૈકીના સૌથી મોટા ગણાતા બંદર કંડલા ખાતે ડ્રેજિંગ માટેના ખોટા બિલ બનાવી રૂ.૧, ૦૦૦ કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ગાંધીધામની કોર્ટે ચીફ વિજીલન્સ ઓફિસર પી.રામજી સામે આ સંદર્ભે એન્ટી કરપ્શન બ્યૂરોને ૪ર૦ની કલમ હેઠળ ફરિયાદ નોંધવા જણાવ્યું છે. પી.રામજી સામે રૂ.૧, ૦૦૦ કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ થઇ છે. કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ટ્રેડ પ્રમોશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સંજય ભાટીએ કંડલા ખાતે ડ્રેજીંગના કામમાં લાગેલી ખાનગી કંપનીઓની તરફેણ કરવા બદલ રામજી અને અન્ય ઓફિસરો સામે તપાસની માંગણી કરતી ફરિયાદ નોંધાવી હતી.