કચ્છના ક્રીક વિસ્તારમાં હરામીનાળા ટ્રાય જંકશન પોસ્ટથી ૪૦૦ મીટર દૂર પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં હતા ત્યારે સામેથી બીએસએફ સ્પીડ બોટને જોઈને તે બોટમાં સવાર છ પાકિસ્તાની પોતાની બોટમાંથી કૂદીને છિછરાપાણીમાંથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા. સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દમિયાન ૪૦૦ મીટર દૂર બે પાકિસ્તાની બોટ નજરે પડી હતી. પાકિસ્તાનીઓ પણ સ્પીડ બોટના એન્જિનના અવાજથી સતર્ક બની ગયા હતા અને બીએસએફની ટુકડીને જોતાં જ ભૂતકાળની અન્ય ઘટનાની જેમ તેમણે પણ બોટમાંથી ઊતરીને પાણીમાં ચાલીને પાકિસ્તાનના એરિયામાં સરકી ગયા હતા.
• મસ્કામાં આધુનિક જીમનું લોકાર્પણઃ મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા ૨૯મી જૂને મસ્કા ખાતે સ્વ. બચુભાઈ રાંભિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં અત્યાધુનિક જીમને આસપાસના ગામડાંઓ તેમજ માંડવીના યુવાનો માટે ખુલ્લું મુકાયું હતું. એમ.સી.એ.ના ચેરમેન હેમંતભાઈ રાંભિયાના અધ્યક્ષસ્થાને ઈન્ટરનેશનલ ફિટનેસ ટ્રેઈનર અને ભૂતપૂર્વ સ્વિમિંગ, રનિંગ અને સાઈક્લિંગના વિશ્વ ચેમ્પેયિન તથા વિખ્યાત એથલેટ કિમ્બરલી રૈની (યુએસએ)ના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વધુ એક સુવિધાનો પ્રારંભ થયો હતો.
• અંજારમાં લક્ષ્મી બાલાજી મંદિરે રૂ. ૪૦ લાખનો સુવર્ણ મુગટ અર્પણઃ અહીંના લક્ષ્મી સેવા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી બાલાજી મંદિરનો સાતમો ત્રિદિવસીય વાર્ષિક કલ્યાણ મહોત્સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યો હતો. વાર્ષિક કલ્યાણ મહોત્સવ નિમિત્તે ડો. શ્યામસુંદર પરિવાર દ્વારા અંદાજે ૪૦ લાખનો સોનાનો મુગટ તેમજ લક્ષ્મી માતાજી તથા ગોદાલક્ષ્મીદેવીને ચાંદીના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા.