માર્ચ-૨૦૧૩ બાદ સરકારે ત્રણ તબક્કે કચ્છમાં કુલ ૧૨૧ ગામોને અછત, અર્ધ-અછત હેઠળ આવરી લીધા હતા. હમણાં પૂર્ણ થયેલા ચોમાસામાં સારા વરસાદ પછી સપ્ટેમ્બરના અંતમાં અછત અને અર્ધ-અછતના ધોરણો ઉઠાવી પણ લીધા હતા. અત્યારે મહેસૂલ વિભાગ દ્વારા પાક, પાણી, પશુધન અને તેને આધારિત ગ્રામ્ય અર્થતંત્રને સાંકળી લેતી અાનાવારી ચાલી રહી છે. ડિસેમ્બરના અંત સુધીમાં સર્વેક્ષણ પૂરું થશે. તેના રિપોર્ટના આધારે કચ્છ જિલ્લાના ગામોમાં અર્ધ-અછત, પૂર્ણ અછત જાહેર કરીને રાહત-બચાવના કામો શરૂ કરાશે. રાપર, અબડાસા અને લખપત તેમ જ ભૂજના કેટલાક વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિના પગલે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.