ભુજઃ રણકાંઠાના સાંતલપુર પંથકમાંથી પસાર થતી કચ્છી કેનાલમાં નર્મદાના પાણી તળિયે આવી જતાં ચોરાડ વિસ્તારના ૧૭ અંતરિયાળ ગામમાં પાણીની અછત સર્જાઈ છે. આલુવાસ, ધોકાવાડા, રણમલપુરા, રાજુસરા, સાંતલપુર, દાત્રાણા, બરારા, એવાલ, જાખોત્રા, આંતરનેસ, કિલાણા, ફાંગલી, બાવરડા, ચારણકા, બકુત્રા, માધુપુરા, ગામડી અને રાણીસર સહિત ૧૭ જેટલા ગામોમાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. એકબાજુ ૪૦ ડિગ્રી તાપમાન અને બીજી બાજુ પીવા માટે પાણીની પારાયણથી લોકો ત્રસ્ત છે. પાણી પુરવઠા તંત્ર દ્વારા પાઇપલાઇન મારફતે ગામડાઓમાં પાણી પહોંચાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના ગામોમાં પાણી પહોંચતું ન હોવાથી આ સત્તર ગામમાં ટેન્કરો મારફતે દરરોજ ૫૩ જેટલા ફેરા કરી ગામડાંઓ સુધી પાણી પહોંચે છે. જોકે ટેન્કરો અનિયમિત અને જરૂરિયાત કરતાં ઓાછા આવતા હોવાથી ગામમાં ટેન્કર આવે ત્યારે પીવાના પાણી માટે લોકોને પડાપડી કરે છે જાખોત્રામાં લોકોએ કહ્યું કે મે મહિનાના બીજા અઠવાડિયાથી પાઇપલાઇન મારફતે પાણી આવતું નથી જેના કારણે ગામમાં ટેન્કરોથી પાણી મળે છે, પણ ટેન્કરોમાં જરૂરિયાત કરતાં ઓછું પાણી આવે છે. વળી તે સમયસર આવતા નથી. માણસોને પાણીની અછત છે ત્યાં પશુઓની તરસ કોણ છુપાવે એ પ્રશ્ન છે.