ભુજઃ નોટબંધી પછી આડેસરમાં આવેલી એકમાત્ર દેનાબેંકની શાખામાં વહેલી સવારથી જ લોકોની મોટી લાઈન શરૂ થઈ જાય છે. લોકો પોતાના કામધંધા ખોટી કરીને આખોય દિવસ અહીં બેંકની લાઈનમાં આખો આખો દિવસ ઊભા રહે છે. આ વિસ્તારમાં ક્યાંય એટીએમ જ નથી. એક કમર્શિયલ કોમ્પલેક્સમાં આવેલી દેનાબેંક શાખામાં સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે રૂબરૂ મુલાકાત લેતાં અહીં ભીડની બહાર બેઠેલા વરણુ ગામના એક ગઢવી યુવાને જણાવ્યું હતું કે, હું અહીં સાત દિવસથી આવું છું, પણ નોટ બદલવામાં મારો નંબર જ નથી આવતો. સરકારે જાહેરાત કરી છે કે બેંકો સવારના આઠથી સાંજના આઠ સુધી ખુલ્લી રહેશે, પણ આ બેંક ખૂલવાનો સમય નક્કી નથી. એક દિવસ તો સવારે આઠના બદલે સવારે અગિયાર વાગ્યે બેંક ચાલુ થઈ હતી અને બપોરે ૪.૩૭ વાગ્યે બંધ થઈ ગઈ હતી.
કંડલા પોર્ટના અધિકારીને નવી નોટોથી લાંચ
ઇલેક્ટ્રિક લાઇન મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટર પાસેથી બિલ પાસ કરાવવા
રૂ. ચાર લાખની લાંચ મગાયાનો ગુનો એન્ટી કરપ્શન બ્યુરોએ કંડલા પોર્ટ ટ્રસ્ટના કેટલાક અધિકારીઓ સામે તાજેતરમાં જ દાખલ કર્યો છે. સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર શ્રીનિવાસ, સબ ડિવિઝનલ ઓફિસર કુમટેકર અને શ્રીનિવાસ વતી લાંચ સ્વીકારનાર રૂદ્રેશ્વર નામના ક્રેઇન કોન્ટ્રાક્ટર સામે લાંચ રુશ્વત લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સબ ડિવિઝનલ ઓફિસર કુમટેકરના ઘરે સર્ચ દરમિયાન ૧૬મી નવેમ્બરે રૂ. ૪૦૦૦૦૦ની લાંચની બે-બે હજારની નવી નોટો પણ ACBએ કબજે કરી છે.
કર્મચારીઓને ૧ વર્ષનો એડવાન્સ પગાર
વિમેન્સ વેરના કાપડનો હોલસેલનો ધંધો કરતા ભુજના એક વેપારીએ તાજેતરમાં નાણાકીય કટોકટીની સ્થિતિને જોતાં અને આગામી એક વર્ષ સુધી નફો તો ઠીક દુકાન ચાલુ રાખીને ખોટમાં ઉતરવાની સ્થિતિનો અંદાજ લગાવીને એક વર્ષ સુધી ધંધો જ બંધ કરી દીધો છે. તેની દુકાનમાં કામ કરતા ૧૦થી ૧૫ કામદારોને વેપારીએ એક વર્ષનો એડવાન્સ પગાર આપીને ઘરે રહેવા કહ્યું છે. સાથે કામદારોને કહ્યું છે કે વગર કામ કર્યે પણ તમે મારે ત્યાંજ નોકરી પર ચાલુ રહેશો. આ નિર્ણય લેવા પાછળનો ભેદ ઉકેલતા સુત્રોએ જણાવ્યું હતું કે, ૧૦થી ૧૫ જેટલા કામદારો કામ કરતા હોય ત્યારે ચા- પાણી નાસ્તાનો જ રોજનો રૂ. ૫૦૦નો ખર્ચ થઈ જાય. ઉપરથી દુકાનનું ભાડું, લાઈટબિલ તથા અન્ય ખર્ચ તો ભોગવવાનો આવે જ. હાલ જે સ્થિતિ છે તે જોતા ધંધો ખોટમાં જ રહેવાનો છે તેથી મહિનાનો ખોટો ખર્ચ બચાવવા આ નિર્ણય વેપારીએ લીધો છે.
કચ્છના પ્રવાસનને બીજી વાર નવેમ્બર નડ્યો
ઓક્ટોબર એટલે કે દિવાળી વેકેશનથી કચ્છમાં પૂરબહારમાં ખીલતા પ્રવાસન ઉદ્યોગને નવેમ્બરમાં બીજી વખત મોટી સમસ્યા નડી છે. ૨૦૧૪માં ભયાનક ‘નિલોફર’ વાવાઝોડું ફૂંકાવાની આગાહીએ કચ્છ આવનારા પ્રવાસીઓ અન્યત્ર ગયા અથવા તો તેમણે પ્રવાસ જ રદ કર્યો હતો. એ જ રીતે નોટબંધીએ પણ પર્યટનક્ષેત્રને ઝપટમાં લીધું છે. પાંચસો અને હજારની ચલણી નોટો બંધ થતાં કચ્છમાં આવેલા પ્રવાસીઓ છૂટ્ટાના અભાવે પોતાનો પ્રવાસ ટૂંકાવીને વતન તરફ પ્રયાણ કરતાં પ્રવાસન આધારિત ધંધા સાથે સંકળાયેલા ધંધાર્થીઓના ધંધા ઠપ્પ થઈ ગયા છે.