માંડવી: દશકા અગાઉ ખારો પાટ ગણાતી કચ્છની જમીન પર હવે દાડમ, ખારેક, ડ્રેગન ફ્રૂટ સહિતની ખેતીના અવનવા પ્રયોગો થઈ રહ્યાં છે. કેસર કેરી હોય કે પામારો ઝા (સુગંધિત ઘાસ) હોય, બાગાયતી ખેતીમાં કચ્છીઓએ અકલ્પનીય સિદ્ધિઓ હાંસલ કરી છે. ઉજ્જડ વેરાન જમીનમાં આ પ્રકારની ખેતી થઈ શકે તેવી કલ્પના પણ ન થઈ શકે તેની વાસ્તવિક્તામાં હવે માંડવી તાલુકાના રામપર ગામના બે ખેડૂતોએ અમેરિકન કેસરનું વાવેતર પણ શક્ય બનાવ્યું છે. ગામના બે ખેડૂતોએ પ્રાયોગિક ધોરણે હાલમાં તો અડધા-અડધા એકરમાં અમેરિકન કેસરનું વાવેતર કર્યું છે. આ કેસરનું વાવેતર કરનારા વેલજીભાઈ વરસાણી તથા અરવિંદભાઈ પિંડોરિયા બંને મિત્રો છે અને બાગાયતી ખેતીમાં અનેક પ્રયોગો તેમણે કર્યા છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં તેમજ કચ્છના રાપર તાલુકામાં અમેરિકન કેસરની ખેતી સફળ થઈ રહી છે.
પાકની જાળવણી અને સંભાળ
વેલજીભાઈએ કહ્યું કે આ પાક માટે ફર્ટિલાઈઝર કે રાસાયણિક દવાનો છંટકાવ જરૂરી નથી. ઓર્ગોનિક પદ્ધતિએ તેનું ઉત્પાદન શક્ય છે. રાસાયણિક ખાતરના વપરાશથી પાકની ગુણવત્તા કથળે છે. જ્યારે
ઓર્ગેનિક કેસરનો બજારમાં વધુ ભાવ મળે છે.
કેસરની બજાર નથી
ખેડૂતોને અમેરિકન કેસર ક્યાં વેચવું તેની જાણકારી નથી. હાલ બનાસકાંઠાના ખેડૂતો પાસેથી જે વેપારીઓ કેસર લઈ જાય છે તેમનો સંપર્ક કરી અને માલ વેચાણ માટે આપશે.
પાકનો શ્રેષ્ઠ સમય
અમેરિકન કેસરને વધુ પડતી ઠંડીનું વાતાવરણમ માફક આવે છે. જેને ધ્યાનમાં રાખીને બંને મિત્રોએ ઓક્ટોબરમાં વાવેતર કર્યું હતું. કેસરનો પાક પાંચ મહિનાનો છે જેથી ફેબ્રુઆરી મહિનામાં તેનું ઉત્પાદન આવશે.
કેસરની કિંમત
અમેરિકી કેસર કાશ્મીરી કેસર કરતા અલગ છે. જીણા પાન, સ્વાદ કલર સરખા જ હોય છે. જથ્થાબંધ બજારમાં અમેરિકન કેસરનો ભાવ કિલોના રૂ. ૬૫થી ૭૫ હજાર અને બિયારણનો કિંમત પ્રતિકિલો એક લાખ હોય છે.