અંજારઃ જેમ ગુજરાતની વલસાડની આફૂસ અને જૂનાગઢ-ગીર પંથકની કેસર કેરી લોકોમાં પ્રિય છે તેમ કચ્છની કેસર કેરીના પણ ચાહકો છે. કમોસમી વરસાદગ્રસ્ત કચ્છી કેસર કેરીથી અંજારનું માર્કેટ યાર્ડધમધમી રહ્યું છે. દૈનિક ૨૦થી ૨૫ હજાર જેટલા કેરીના બોક્સ વહેલી સવારે જ માર્કેટમાં આવે છે. શિયાળા પછી વારંવાર માવઠું થતાં અહીંની કેસરને ભારે નુકસાન થયું છે. ઉપરાંત ચોમાસું પણ વહેલું આવતાં કેરીને ઝડપથી ગ્રાહક સુધી પહોંચાડવાની સ્પર્ધા જામી છે.
આ કેસર કેરીની ખરીદી માટે વેપારીઓ સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, હળવદ, ધાંગ્રધા તથા ઉત્તર ગુજરાતના ભાભર, રાધનપુર, પાલનપુર, ડીસા, હારીજ, રાજસ્થાન, બાડમેર વગેરે શહેરોમાંથી આવી રહ્યા છે.