કચ્છની કેસર કેરીને વાતાવરણનું ગ્રહણ: માંડ ૪૦ ટકા ઉત્પાદનની વકી

Wednesday 22nd May 2019 07:31 EDT
 
 

નખત્રાણાઃ દેશના સીમાડાને ઓળંગીને વિદેશમાં પણ જેની સોડમ પ્રસરી છે તેવી કચ્છની પ્રખ્યાત કેસર કેરીને આ વખતે વાતાવરણની ભારે માઠી અસર પહોંચી છે. બાગાયતકારોના દાવા અનુસાર નિયમીત પાકની સામે આ વખતે ૬૦ ટકા જેટલું ઓછું ઉત્પાદન આવે તેવી શક્યતા છે. તેની પાછળ વાતાવરણમાં વારંવાર આવતો પલટો અને તીવ્ર ઝડપે ફૂંકાયેલો પવન સહિતની બાબતો જવાબદાર છે.
કચ્છમાં આ વખતે કેસર કેરીનું ઓછું ઉત્પાદન આવવા પાછળનું કારણ આપતા વેશલપરના બાગાયતકાર રવિ વાલાણી જણાવે છે કે, ઠંડી વધારે એટલે કે પાંચ મહિના ચાલી હતી. આ ઉપરાંત વારંવાર કમોસમી વરસાદના કારણે કેરીનું બંધારણ ખોરવાયું છે. નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા), વેશલપર, સુખપર, રામપર, જીયાપર, વિાથોણ વગેરે ગામોમાં ખેડૂતો મોટાપાયે કેરીનું ઉત્પાદન મેળવે છે. કચ્છની કેસર કેરીની મીઠાશ વધુ અને ફળ મોટુ હોવાથી લોકપ્રિય છે. માંડવી તાલુકાના રત્નાપર, મંઉ, ગઢશીશા, દેવપર, રાજપર વગેરે ગામોમાં આંબાના બગીચા આવેલા છે. આ વિસ્તારમાં આશરે ૧પ૦૦ એકરમાં કેરીના બગીચા છે. ખીરસરાના ખેડૂત ઝવેર પટેલના જણાવ્યા અનુસાર ક્લાઈમેટ ચેન્જના કારણે કેરીના પાકમાં દાગ લાગી જવાની પુરી શક્યતા છે. તેમજ ઉત્પાદન માંડ ૪૦ ટકા થાય તેવું લાગી રહ્યું છે. દરવર્ષે ખેડૂતોને લાગતા ફટકાના કારણે ગઢશીશા પંથકમાં તો કેરીના બગીચામાં જ હવે ઘટાડો થવા માંડયો છે! નખત્રાણાના ભરત કેસરાણીના કહેવા મુજબ આંબામાં ફૂલ લાગતા જ ખરી ગયા છે. હાલ આંબા પર લાગેલા ફળની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે. ગુજરાતમાં અમદાવાદથી લઈને મુંબઈ, બેંગલોર, મધ્યપ્રદેશ અને છેક દિલ્હી સુાધી કચ્છની કેસર કેરી પહોંચે છે. કચ્છમાં બગીચા વેચાણ લેતા વેપારીઓ આવી રહ્યા છે. પણ પૂરતા ભાવના અભાવે હજૂ સુધી સોદા થતા નાથી. ખેડૂતોને ૪૦થી ૪પ રૂપિયા ભાવ મળવાની અપેક્ષા સામે વેપારીઓ ૩૦થી ૩પ રૂપિયા ભાવ ભરી રહ્યા છે.
નિકાસના સીધા લાઈસન્સ નહીં
ભુજના પરેશ ઠક્કર ખેડૂતોની સ્થિતિ પર પ્રકાશ પાડતા કહે છે કે, કચ્છની કેસર કેરી દેશ-વિદેશમાં વખણાય છે, પરંતુ કોઈ વેપારી કે ખેડૂત પાસે સીધુ લાઈસન્સ ન હોવાથી વિદેશમાં નિકાસ કરી શકતા નથી. ખેડૂતોએ નાના વેપારીઓ મારફત અમદાવાદ અને મુંબઈમાં કેરી મોકલવી પડે છે. જ્યાં તેમના લેવલથી ટ્રેડિંગ થાય છે. માટે કચ્છના ખેડૂતોના ભાગમાં ખાસ નફો આવતો નથી!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter