ભુજઃ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સમગ્ર દેશમાંથી સમાજોપયોગી અને વિશિષ્ટ પ્રવૃત્તિ કરનારી આગળ પડતી એકસો મહિલાઓની પસંદગી માટે ફેસબુક અને ઓનલાઈન માધ્યમનો તાજેતરમાં ઉપયોગ કર્યો હતો. આ માટે કુલ ૪૫૦૦ અરજી આવી હતી અને નિર્ણાયકોએ ૨૦૦ સ્ત્રીઓની સન્માન માટે પસંદગી કરી હતી. તેમાંથી ૧૦૦ની પસંદગી ફેસબુક દ્વારા કરાઈ હતી. આ ૧૦૦ પ્રતિભાશાળી મહિલાઓમાં મૂળ કચ્છનાં ત્રિવેણીબહેન આચાર્ય અને ડો. કિંજલ ચાન્દ્રાની પસંદગી થઈ હતી. ત્રિવેણીબહેનને ૨૨મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે ભોજન લેવાનું પણ માન મળ્યું હતું અને રાષ્ટ્રપતિએ તેમને સાડી અને સન્માનપત્ર અપર્ણ કર્યાં હતાં.
ત્રિવેણી આચાર્ય રેસ્કયુ ફાઉન્ડેશનનાં પ્રમુખ છે. વેશ્યાવૃત્તિમાં ધકેલાતી કિશોરીઓને તેમની સંસ્થા મુક્ત કરાવે છે. આવી ૭ હજાર યુવતીઓને બચાવીને ત્રિવેણીબહેને સમાજમાં મોભાદાર સ્થાન અપાવ્યું છે અને ૧૨૫ દીકરીઓને પરણાવીને સ્થાયી કરી છે. આમાંની પાંચ દીકરીના લગ્ન ૨૪મી જાન્યુઆરીએ જ યોજાયા હતા.