ભુજઃ કચ્છમાં કોઈ પણ બારમાસી નદી ન હોવાથી ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છમાં પાણી મેળવવા સંઘર્ષ શરૂ થાય છે. વરસાદ ખેંચાતા પશુઓ સાથે માલધારીઓને લાંબો પથ કાપ્યા બાદ પાણી નસીબ થતું હોય છે. તો આ વખતે મોડે મોડે પણ વરસાદનો પ્રથમ રાઉન્ડ સારો જતા હવે કિસાનો તથા માલધારીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળે છે. સાવ સુકાયેલી નદીઓ પણ બે કાંઠે વહેતી થવાથી લોકોના ચહેરા પર આનંદની લાગણી જોવા મળે છે.
સરહદી કચ્છમાં મોટાભાગની ખેતી બોરવેલ આધારિત છે. તો રાપર તથા ભચાઉ તાલુકાના અમુક વિસ્તારમાં નર્મદાના કેનાલના પાણી મળવાથી પાક લઈ શકે છે. પણ બાકીના કચ્છમાં મોટા ભાગે રામ મોલનું વાવેતર ચોમાસુ સીઝનમાં વરસાદ સારો પડે તો વાવણી થતી હોય છે. તળાવ, ડેમોમાં પાણીનો ભરાવો થવાથી તેના આધારે ૧૨ મહિનાનો સમય કાઢવો પડતો હોય છે, પણ કચ્છમાં ચોમાસા સિવાય તમામ નદીઓ સુકી થઈ જતી હોવાથી કિસાનો કે માલધારીઓ સતત સૂકી નદી જોવાથી ટેવાયેલા હોય છે, પણ ચોમાસામાં મોટા ભાગની નદીઓ પાણી વહીં નીકળતા જીવંત બનતી હોવાથી તેને નિહાળવા પણ અનેક લોકો જતા હોય છે. ત્યારે માંડવી તાલુકાની સૌથી મોટી નદી રૂકમાવતી નદી બે કાંઠે વહી નીકળતા ધરતીપુત્રો તથા પશુપાલકોના ચહેરા પણ ચમક જોવા મળી રહી છે.