ભૂજઃ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ- સરહદ ડેરીનું દૂધ અખાતના દેશોમાં પહોંચાડવાનું આયોજન છે. આ ઉપરાંત લાખોંદ પાસે રૂ. ૧૦૦ કરોડના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. ગત સપ્તાહે ડેરીની મળેલી છઠ્ઠી વાર્ષિક સામાન્ય સભામાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને સરહદ ડેરીને ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, કચ્છના દૂધની ગુણવત્તા અને ઉત્પાદનથી આ ડેરી દ્વારા ટૂંક સમયમાં મુંદ્રા-કંડલા બંદરેથી દરિયાઈ માર્ગે દૂધ તથા દૂધની બનાવટો આરબ દેશોમાં મોકલવાનું આયોજન થઈ રહ્યું છે. જેના કારણે કચ્છના દૂધ ઉત્પાદન ક્ષેત્રે એક નવી પહેલ થશે અને દૂધના પ્રોસેસિંગ-પેકિંગ માટે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે લાખોંદમાં અદ્યતન દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ માટેની મશીનરી વિદેશથી આવી જશે.
હુંબલે જણાવ્યું હતું કે, કચ્છમાં અગાઉની દૂધ ડેરીની કામગીરી સારી ન હોઈ લોકો આ ડેરીમાં દૂધ આપતાં ખચકાતા હતા, પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી કામગીરી બાદ સમગ્ર કચ્છભરના છેવાડાના ગામોમાંથી દૂધ એકત્રિત કરાય છે. ડેરી દ્વારા ૧૮ શીત કેન્દ્રો દ્વારા મહિને રૂ. ૪૦ કરોડ, વર્ષે રૂ. ૪૦૦ કરોડ અને રૂ.૧૬ કરોડના બોનસની ચૂકવણી થવાથી દૂધ ઉત્પાદકો અને પશુપાલકોનું જીવન બદલાયું છે.