ભુજ: 2001ના વિનાશકારી ધરતીકંપ બાદ કચ્છ જિલ્લાએ સમગ્ર રાજ્યને વિકાસની ગતિ આપી છે. ખાસ કરીને દુનિયાના સૌથી સારા સ્મારકોની તુલનામાં ભુજનું સ્મૃતિ વન એક કદમ પણ પાછળ નથી. કચ્છનું સ્મૃતિ વન દુનિયાનું નજરાણું બનશે એમ રવિવારે ભુજમાં જંગી જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ સ્મારક આગળ વધવાની શાશ્વત ભાવનાથી પ્રેરિત છે. ક કચ્છનો અને ખ ખમીરનો જણાવીને આ જિલ્લાએ ગુજરાતને વિકાસની ગતિ અપાવી હોવાનું પણ જણાવ્યું હતું. ભુજમાં આયોજિત સમારોહમાં વડા પ્રધાને કચ્છને રૂ. 5000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી.
વડા પ્રધાન મોદીએ ભુજમાં ભૂકંપના મૃતકોના સ્મારકરૂપે તૈયાર કરાયેલા સ્મૃતિ વન મેમોરિયલ, માંડવી તાલુકાના મોડકૂબા સુધી પહોંચેલી કચ્છ નર્મદા શાખા નહેર સહિતના લોકાર્પણ અને ભૂમિપૂજન બાદ જાહેર સભાને સંબોધતાં ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું હતું કે કચ્છ માત્ર ભૂભાગ નથી, જીવતી ભાવના છે. જિંદાદીલ મનોભાવ છે. ‘મુંજા વલા કચ્છી ભાને ભેણુ, કી આયો, મજામાં?’ એમ કહીને તેમણે પ્રવચન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કચ્છની ધરતી પર નર્મદાના પાણી આવશે એવી કોઈને કલ્પના પણ ન હતી, આજે કચ્છના ગામેગામ મા નર્મદાના પાણી પહોંચતા થયા છે.
તત્કાલીન મુખ્ય પ્રધાન અને આજે વડા પ્રધાન પદે બિરાજતા નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવું સ્મૃતિ વન ભુજિયા ડુંગર ઉપર સાકાર થયું છે. તો નર્મદાની કચ્છથી મોડકૂબા સુધીની 357.185 કિલોમીટરની મુખ્ય શાખા નહેરનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરાયું હતું. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલી જંગી મેદનીવાળી સભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, ભુજમાં રૂ. 375 કરોડના ખર્ચે નિર્મિત સ્મૃતિ વન હોય કે અંજારમાં ભૂકંપમાં મૃત્યુ પામનારા બાળકો અને શિક્ષકોની સ્મૃતિમાં તૈયાર થયેલું વીર બાળક સ્મારક એ બંનેનું ભારે મને લોકાર્પણ કર્યું છે.
કચ્છીઓએ આપત્તિને અવસરમાં બદલી
વડા પ્રધાને જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે ભૂકંપ પછી કેટલાક લોકો એવું કહેતા હતા કે, કચ્છ ક્યારેય બેઠું નહીં થાય. પણ કચ્છી લોકોએ પોતાની મહેનત અને જુસ્સાથી આજે કચ્છની તસ્વીર બદલી નાખી છે. ભૂકંપ વખતે મેં કહ્યું હતું કે કચ્છ ફરી બેઠું થશે. આપણે આપત્તિને અવસરમાં બદલીને રહીશું. આજે એ સાકાર થયું છે.
કચ્છના લોકોથી માંડીને વાનગી, હસ્તકળા, રાજકીય નેતૃત્વ, ઔદ્યોગિક સફળતા, હડપ્પા સંસ્કૃતિ, પ્રવાસનમાં ધોરડો સફેદ રણ અને ભૂકંપ બાદ કરેલી પ્રગતિ વિશે ગદગદ થઈને વડા પ્રધાને પ્રવચન કર્યું હતું.
વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન
રૂ. 1745 કરોડના ખર્ચે બનેલી કચ્છ શાખા નહેર, રૂ. 1182ના કરોડના ખર્ચે બનેલા નખત્રાણા અને ભુજ સબ સ્ટેશન, રૂ. 129.22 કરોડના ખર્ચે બનેલો ચાંદ્રાણી ખાતેનો સરહદ ડેરીનો દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ, રૂ. 190 કરોડના ખર્ચે બનેલું ભુજનું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, રૂ. 17.50 કરોડના ખર્ચે આકાર પામેલું અંજારનું વીર બાળ સ્મારક એમ કુલ 6 વિકાસકામોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રૂ. 1373 કરોડના ખર્ચે નિર્માણ થનારા ભુજ ભીમાસર નેશનલ હાઇવે પ્રોજેક્ટ, રૂ. 32.71 કરોડના ખર્ચે માતાના મઢના પર્યટન વિકાસના કામો વગેરેનું ખાતમુહૂર્ત કર્યું હતું.