નખત્રાણાઃ પંથકના નાના એવા રસલિયા ગામમાં ૧૬ મેએ અનોખો પ્રસંગ ઉજવાયો. દીકરી સાપનો ભારો નહીં, પણ વ્હાલનો દરિયો છે એવું પ્રસ્થાપિત કરવા દેશ-વિદેશમાં વસતી ગામની ૨૭૦૦ દીકરીઓનું કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સન્માન થયું હતું. અનોખી વાત એ છે કે, રસલિયામાં અત્યારે પાટીદાર સમાજની વસતી માત્ર ૨૮૦ વ્યક્તિની છે પરંતુ રસલિયા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ તરફથી ૧૫થી ૧૮ મે દરમિયાન ત્રિવેણી મહોત્સવ પ્રસંગે ભારતભરમાંથી ૭ હજારથી વધુ ગ્રામજનો અહીં આવ્યા છે. કાર્યક્રમના બીજા દિવસે ૨૭૦૦ દીકરીઓની સાથે ૧૭૦૦ જમાઈઓનું પણ સન્માન કર્યું હતું.
‘વહાલપના વધામણા’ હેઠળ જે ૨૭૦૦ દીકરીઓનું સ્ટેજ પર જૂથ મુજબ સન્માન કરાયું, તેમાં ૯૦૦ કુંવારિકા હતી. આ પ્રસંગના આયોજક દેવજીભાઈ રામજી ભાવાણીએ જણાવ્યું હતું કે, ગામની વ્હાલસોયી બહેન-દીકરીઓને હેતરૂપી આશીર્વાદ આપવા અને સ્નેહરૂપી સન્માન કરવાનો ઉદ્દેશ હતો. વર્ષોથી છૂટી પડેલી દીકરીઓ ભેગી થાય, એક-બીજાના પરિચયમાં આવે એવો હેતુ પણ છે.
સમગ્ર દેશની સુરક્ષાની સમીક્ષા કચ્છમાં થશેઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આક્ષેપ કર્યો હતો કે પાડોશી દેશ પાકિસ્તાન દાઉદ ઇબ્રાહિમ જેવા ભારતના દુશ્મન ગુનેગારોને આશ્રય આપી રહ્યું છે, પરંતુ દાઉદને ભારતમાં લાવવા સરકાર કટિબદ્ધ છે. મોદી સરકાર બીજા વર્ષમાં પ્રવેશ કરે છે તે અવસરે દેશની આંતરિક સુરક્ષાની સમીક્ષાની જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. આ વખતે દેશના તમામ રાજ્યોના પોલીસ વડા અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી)ની વાર્ષિક બેઠક ગુજરાતના કચ્છમાં યોજાશે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં દેશના ટોચના પોલીસ અધિકારીઓની બેઠક થતી હતી પરંતુ ગયા વર્ષે આ બેઠક પહેલીવાર રાજધાનીની બહાર ગોહતીમાં યોજાઈ હતી અને હવે બીજી બેઠક કચ્છ-ગુજરાતમાં યોજાશે.