ભુજઃ એકલ માતાના રણમાં ગુલાબી ધોમડાના સેંકડો ઇંડા અને બચ્ચાઓનું નિકંદન કાઢી નાંખવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કચ્છની આગવી ઓળખ સમાન ગુલાબી ધોમડો પક્ષીના સેંકડો બચ્ચાના મૃત્યુ પામ્યાની અને ઈંડા ફૂટી ગયાની તસવીરો અખબારોમાં પ્રસિદ્ધ થયા બાદ પક્ષીવિદ્દો તેમજ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને જવાબદારો સામે આકરા પગલાં લેવાની માગ ઉઠી હતી. આ બનાવ મામલે પૂર્વ કચ્છ વન વિભાગના અધિકારીઓએ યુદ્ધના ધોરણે પગલાં લઇને કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આમાંથી ત્રણ આરોપીને ઝડપી લઇને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.
પૂર્વ કચ્છ વનવિભાગનાં નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુનાહિત ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ઈરાદપૂર્વક કૃત્ય કર્યું નથી, પણ અજાણતા થયું છે. રસ્તો બનાવવા માટે ગુલાબી ધોમડોના બચ્ચા તેમજ ઈંડાને ઉઠાવીને ઉપાડીને એક કિમી દૂર તેની મૂળ વસાહતમાં મૂકવામાં આવ્યા હતા. આવું કૃત્ય ગુનો બને છે પરંતુ તેનાથી આરોપીઓ અજાણ હતા. આ ઘટનામાં હિરાભાઈ રામજીભાઈ પટેલ (વિથોણ), રમેશ ભોજા દાફડા (લક્ષ્મીપર), ગની ગફુર સમા (કાઠવાંઢ,), પંકજ હરિલાલ પરમાર (નખત્રાણા) તેમજ મનિષ પ્રભુલાલ સોરઠિયા (અંજાર)ની સામે ગુનો નોંધાયો હતો. આ પૈકી હિરાભઈ પટેલ, રમેશ દાફડા તેમજ મનિષ સોરઠિયાની ધરપકડ કરાઇ છે.