ભુજ: આર. આર. લાલન ગવર્નમેન્ટ કોલેજના જીવવિજ્ઞાન (બાયોલોજી) વિભાગની ટીમને સંશોધનમાં કચ્છની ખારી નદી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મીઠા પાણીમાં જોવા મળે તેવી જિંગાની નવી પ્રજાતિ મળી આવી છે. આ શોધને ન્યૂ ઝીલેન્ડથી પ્રકાશિત થતા એક સાયન્ટિફિક જર્નલમાં સ્થાન પણ મળ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત જ મળેલી આ પ્રજાતિ કચ્છમાંથી શોધાયેલી હોવાથી તેનું નામ ‘કેરેડિના કચ્છી’ આપ્યું છે.
આ નવી પ્રજાતિની શોધ ડો. પ્રણવ પંડ્યા દ્વારા કરાઈ છે. ડો. પંડ્યા ભુજની આર. આર. લાલન કોલેજમાં પ્રાણીશાસ્ત્ર (ઝુઓલોજી)ના પ્રાધ્યાપક તેમજ બાયોલોજી વિભાગના વડા છે. ડો. પંડ્યાએ જણાવ્યું કે, જિંગાની આ નવી પ્રજાતિનો સમાવેશ ક્રસ્ટેશિયા કુળમાં અને કેરેડિના જાતિમાં થાય છે. આ પ્રકારના પ્રાણીઓનું કદ ૩થી ૪ સેમી જેટલું હોય છે અને મીઠા પાણીના જળાશયો કે તળાવોમાં દેખાય છે. આ પ્રજાતિના પ્રાણીઓ પાણીની તેમજ ત્યાંના પર્યાવરણની ગુણવત્તા દર્શાવવામાં ઉપયોગી થઈ શકે છે. ‘કેરેડિના કચ્છી’ના રિસર્ચમાં લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના ડો. જેસ્મિન રિચાર્ડનો પણ મહત્ત્વનો ફાળો છે.