ભૂજઃ અષાઢી બીજે કચ્છમાં નૂતનવર્ષની ઉજવણી થાય છે. કચ્છીઓએ માંડવીના દરિયામાં પૂજન કરીને કચ્છી નવા વર્ષની ઉજવણી કરી હતી. માંડવી વિન્ડફાર્મ બીચ ખાતે નગરપાલિકા દ્વારા દરિયાપૂજનનું આયોજન કરાયું હતું.
આ વર્ષે સારો વરસાદ થાય એ માટે પૂજારીઓએ ખાસ વિધિ કરી હતી. કચ્છી નવા વર્ષની ઉજવણી કચ્છમાં નવમા સૈકામાં તે વખતના મહારાવ (રાજા) લાખો ફુલાણીના સમયથી શરૂ થઇ હતી. છેલ્લા ૪૫૦ વર્ષમાં કચ્છની રાજધાની તરીકે ભૂજની સ્થાપના થઇ ત્યારથી કચ્છી નવા વર્ષની ઉજવણી શરૂ થઇ અને ભૂજિયા કિલ્લાના નિર્માણ પછી કચ્છી નવા વર્ષ અષાઢી બીજે શાહી સવારીનો પ્રારંભ થયો. દરબારગઢથી ભૂજિયા કિલ્લા સુધી રાજમાર્ગો ઉપરથી શાહી સવારી નીકળતી હતી.
દુષ્કર્મ કરનાર મૌલાનાને જેલ સજાઃ ભૂજની મકીમ મસ્જિદમાં કુરાનના પઠન માટે આવતી માસૂમ બાળા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરનાર મૌલાના સાત વર્ષની જેલ સજા થઇ છે. બનાસકાંઠાના વતની યુવાન મૌલાનાને ભૂજની કોર્ટે દોષિત ઠેરવી વિવિધ કલમ હેઠળ સખત કેદ અને રૂ. ર૦ હજારનો દંડ ફટકાર્યો છે. મૌલાનાએ ૧૧ વર્ષીય બાળાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ચારેક વર્ષ અગાઉ બનેલી ઘટનાથી કચ્છના મુસ્લિમોમાં ચકચાર વ્યાપી હતી.
પીઢ ગાંધીવાદી ગૌરીશંકર નાકરનું નિધનઃ ગાંધીવાદી ગૌરીશંકર લક્ષ્મીદાસ નાકરનું જૈફ વયે નિધન થતાં રાજગોર સમાજમાં શોક વ્યાપ્યો છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયેલા સદ્ગત ગૌરીશંકરભાઇ ૧૯૬૮થી ૧૯૭૩ સુધી કોટડા (રોહા)ના સરપંચપદે, ૧૯૮૦થી ૮૫ તાલુકા પંચાયત નખત્રાણાના સભ્યપદે કરેલા કાર્યોથી લોકપ્રિય થયા હતા.