ભુજઃ હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના દરિયાકાંઠે બીજી નવેમ્બરથી ઇન્ડિયન નેવીની ‘પશ્ચિમી લહેર’ નામની લશ્કરી કવાયત શરૂ થઈ છે. જેમાં ભાગ લેવા માટે ભારતીય નૌકાદળના એડમિરલ કક્ષાના ઓફિસર્સ તથા બોર્ડર સિક્યુરિટી ફોર્સના આઈજીની કક્ષાનાં બે અધિકારી કચ્છમાં હતા. આ ઉચ્ચ અધિકારીઓએ ભુજમાં મળેલી સેન્ટ્રલ ઓપરેશન રૂમ (કોર) મિટીંગમાં પણ ભાગ લીધો હતો અને ત્યારબાદ ક્રીક એરિયાનો એરિયલ સર્વે પણ કર્યો હતો. કવાયતમાં નેવી ઉપરાંત કોસ્ટ ગાર્ડ, આર્મી, એરફોર્સ અને બીએસએફના અધિકારીઓ અને જવાનોએ પણ ભાગ લીધો હતો.