ભુજ: પૃથ્વી પરના સૌથી કદાવર પક્ષી ઘોરાડનું કચ્છમાં બચેલું ગુજરાતનું એક માત્ર નર ઘોરાડ આશરે બે માસથી વધુ સમયથી લાપતા બન્યું છે. ગુમ થયેલા ઘોરાડને શોધવા વનવિભાગ કામે લાગ્યું છે. નિષ્ણાતોના મતે અછતના કારણે ખોરાકની સમસ્યા સર્જાતાં ઘોરાડે સ્થળાંતર કર્યું હોઈ શકે છે. ગુજરાતમાં ઘોરાડની વસતી વાધારવા માટે આ એક માત્ર નર હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધુ છે. કચ્છના અબડાસા તાલુકામાં નલિયા નજીક આશરે ર૦ર હેક્ટરમાં આવેલા અભયારણ્યમાં ર૦ ઘોરાડ પક્ષી જોવા મળે છે. જેમાં માત્ર એક નર છે બાકી માદા છે. ઘોરાડની ઘટી રહેલી વસતી હાલ ચિંતાનું કારણ બની છે. વનવિભાગે જણાવ્યું કે, ૭ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ તેની હાજરી નોંધાઈ હતી. એ પછીથી તેનું લોકેશન મળતું નાથી. અભયારણ્ય વિસ્તાર ઉપરાંત અબડાસા, લખપત અને માંડવી તાલુકાના રેવન્યુ વિસ્તારમાં પણ વનતંત્રએ તપાસ કરી હતી. એસીએફ તુષાર પટેલના જણાવ્યા અનુસાર કદાચ અછતના કારણે ખોરાક માટે માઈગ્રેશન કર્યું હોઈ શકે છે. વરસાદ હોય ત્યારે ખેતીના પાકો લહેરાતા હોય છે.
જેમાંથી કીટકો સહિતનો ખોરાક આ પક્ષીઓને સરળતાથી મળી રહે છે. હાલ ખેતીનો પાક નથી માટે આવો ખોરાક શોધવા સ્થળાંતર કર્યું હશે. પક્ષીવિદ્દ નવીન બાપટ કહે છે કે, સમગ્ર ભારતમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં ઘોરાડ જોવા મળે છે. આખા દેશમાં હાલ તેની વસતી ૧૦૦થી ૧રપ જેટલી માંડ હશે. માટે આ પક્ષીઓને બચાવવા તેની કાળજી લેવી જરૂરી છે. જો કે આગામી જૂન માસ બાદ શરૂ થતા સંવનનકાળ સમયે નર ઘોરાડ પરત ફરે તેવી આશા હાલ સેવાઈ રહી છે.