ભૂજ: રાજ્યભરમાં બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે ત્યારે કચ્છના ખેડૂતો પણ આ સમસ્યાથી મુક્ત રહી શક્યા નથી. કચ્છમાં અત્યારે બટાટાની સૌથી વધુ ખેતી અંજાર તાલુકાના નાંગલપુર પંથકમાં થાય છે, ત્યારે પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોએ પોતાનો પાક જમીનમાંથી કાઢ્યો જ નથી. બીજી તરફ બટાટાના ઉત્પાદન માટે જાણીતા બનાસકાંઠાના ડીસાથી મોટા પ્રમાણમાં બટાટા સ્થાનિક બજારમાં ઠલવાતા અંજાર તાલુકાના ખેડૂતોને મોટી ખોટ સહન કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.
કચ્છમાં રામપર વેકરા તથા દૂધઇ વિસ્તારમાં બટાટા વાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી જથ્થાબંધ બજારમાં તેના ભાવ પ્રતિ કિલોએ ૪.૫૦થી ૬ રૂા. મળી રહ્યા છે, ત્યારે ખેડૂતોને વાવેતર તથા અન્ય ખર્ચ જોતા પડતર વધુ હોવાથી મોટું નુકસાન થઇ રહ્યું છે.