ભુજઃ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે મતદાન થશે. પહેલી ડિસેમ્બરે થનારા મતદાન માટે કચ્છની તમામ છ વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ‘આપ’ની ઉમેદવારી તો છે, પણ કેટલું કાઠું કાઢે છે એ તો સમય જ કહેશે. કચ્છમાં કેસરિયો લહેરાય છે એમ કહી શકાય. અત્યારની સ્થિતિ પ્રમાણે જોઇએ તો, આ મલકની છ બેઠકો પૈકી પાંચ બેઠકો અબડાસા, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી-મુંદ્રા પર ભાજપનું શાસન છે, જ્યારે રાપરની બેઠક જ કોંગ્રેસ પાસે છે. આ વખતે રાપર અને અબડાસા બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામશે. બીજ તરફ ભુજ અને અંજારમાં ભાજપે વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી છે તે જોતાં જંગ રસપ્રદ બને તો નવાઈ નહીં.
• ભુજઃ કચ્છ પંથકના હાર્દસમાન ભુજની બેઠક પર ભાજપે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભૂડિયા તેમજ ‘આપ’માંથી પાટીદારને મેદાનમાં ઉતારવામાં આવતાં પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.
• ગાંધીધામઃ ગાંધીધામ બેઠકમાં ભાજપે વર્તમાન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીને જ ફરી મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં માત્ર 54 ટકા મતદાન થયું હતું તેમ છતાં જિલ્લામાં તેમને સૌથી મોટી લીડ મળી હતી. જોકે આ વખતે ભાજપમાં આંતરિક નારાજગી પ્રવર્તતી હોવાના અહેવાલ છે. સામે કોંગ્રેસના ઉમેદવાર ભરત સોલંકી આ માહોલનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે તેના પર મતદારોની મીટ મંડાઈ છે.
• અંજારઃ નગરમાં ભાજપે વાસણભાઇ આહીરની ટિકિટ કાપીને તેમની સાથે રાજકીય મતભેદ ધરાવતાં તેમના કૌટુંબિક ભાઈ ત્રિકમ છાંગાને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે કોંગ્રેસમાંથી રમેશ ડાંગર ઉમેદવાર છે. આમ, બે આહીર ઉમેદવારોની સાથે ‘આપ’ના અરજણ રબારી પણ મેદાનમાં હોવાથી બેઠક પર કબજો જાળવવો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે.
• માંડવીઃ માંડવી બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે સામે પખવાડિયા પૂર્વે જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રાજેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ‘આપ’ દ્વારા અહીં કૈલાસદાન ગઢવીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભાજપે પ્રથમવાર જિલ્લામાં બ્રહ્મસમાજને અહીં તક આપી છે. તો કોંગ્રેસે આગંતુકને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ‘આપ’ દ્વારા જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારની પસંદગી કરાઇ છે. પક્ષે વર્ષોથી અમદાવાદમાં સ્થાયી ગઢવી સમાજના ઉમેદવારને ઉતાર્યા છે. આમ, ત્રણેય પક્ષોએ અહીં ઉમેદવાર પસંદગીમાં નવો પ્રયોગ કર્યો છે. હવે કોનું પલડું ભારે રહે છે તે જોવું રહ્યું.
• રાપરઃ કોંગ્રેસનો ગઢ ગણાતી રાપર બેઠક આંચકી લેવા માટે ભાજપે માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને અહીં ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે તેની બેઠક જાળવી રાખવા માટે ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ ભચુભાઈને મેદાનમાં ઉતાર્યા છે. બંને વચ્ચે હાલ તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે. તો બીજી તરફે, ‘આપ’ અને અપક્ષો પણ પોતાની ભૂમિકા ભજવવા સક્રિયા બન્યા છે.
• અબડાસાઃ અબડાસા બેઠક પર વર્ષ 2020માં કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને પેટા-ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને ફરી ઉમેદવાર બનાવાયા છે. જોકે તેમની સામે આંતરિક નારાજગી પ્રવર્તતી હોવાનું કહેવાય છે. તો કોંગ્રેસે પ્રથમવાર લખપત તાલુકાના વતની એવા લઘુમતી સમાજના મામદ જુંગ જતને ટિકિટ આપી છે. અહીં ભાજપ પુનરાવર્તન માટે તો કોંગ્રેસ વિસ્તારમાં ફરીથી પંજો કાયમ કરવા હાલ મથી રહ્યા છે.