ગાંધીધામઃ જુલાઇના અંતમાં બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદના પગલે કચ્છની અનેક ટ્રેનો રદ થવાથી રેલવે તંત્રને લાખો રૂપિયાની ખોટ ગઇ છે. સાથોસાથ ગૂડઝ પરિવહન પણ કેટલાક દિવસ સુધી સદંતર ઠપ્પ થઇ જતાં ગાંધીધામ સબ ડિવિઝનની નુકસાનીનો આંકડો રૂ. એક બિલિયનને પાર થયો છે. જોકે અત્યારે ગૂડઝ ટ્રેનોની અવરજવર આંશિક શરૂ થઇ છે પરંતુ સંપૂર્ણ કાર્યરત થતાં થોડા દિવસ થાય તેવી સંભાવના છે.
કંડલા અને મુંદરા બંદરના કારણે માલ પરિવહનક્ષેત્રે ગાંધીધામ સબ ડિવિઝન આવકમાં અગ્રેસર છે. પરંતુ ભારે વરસાદના કારણે માલગાડીઓની આવનજાવનને વ્યાપક અસર પહોંચતાં અત્યારે રેલવેને મોટું નુકસાન થઇ રહ્યું છે. રેવલેના સૂત્રો કહે છે કે, મુજબ કચ્છમાં સામખિયાળી પાસે અને બનાસકાંઠામાં બે સ્થળે રેલવે ટ્રેકનું વ્યાપક ધોવાણ થતાં પ્રવાસી ટ્રેનો ઉપરાંત માલગાડીની આવનજાવન ઠપ થઇ હતી. ૨૭થઈ ૩૧ જુલાઇ દરમિયાન ગાંધીધામ સબ ડિવિઝનમાં માલગાડીઓની આવનજાવન સદંતર બંધ રહી હતી.
આ પાંચ દિવસ સુધી માલ પરિવહન ઠપ રહેતાં દરરોજ અંદાજે રૂ. ૨૦ કરોડ જેટલી જંગી ખઓટ રેલવેને થઇ હોવાનું સૂત્રો કહે છે. ગાંધીધામમાં મીઠુ, ખાતર, કોલસો અને કન્ટેનરાઇઝ કાર્ગોની પ્રતિદિન ૩૦ જેટલી માલગાડીઓની આવનજાવન રહે છે.
ગાંધીધા-અમદાવાદ રેલમાર્ગે વાયા વીરમગામ-મહેસાણા-પાલનપુર થઇ માલગાડીઓ દોડાવવામાં આવે છે. બનાસકાંઠામાં રેલવે ટ્રેકના સમારકામ માટે રેલ તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરે છે. ગાંધીધામ-પાલનપુર વચ્ચેનો રેલ વ્યવહાર પુન: કાર્યરત થયા પછી જ ગાંધીધામ સબ ડિવિઝનમાં માલગાડીઓનું આવાગમન યથાવત થશે તેવું સૂત્રો કહે છે.