ગાંધીધામ: શહેરની ભાગોળે કંડલાની નજીક આવેલા ખાનગી ગોદામોમાં સરકારી સંસ્થા એવી નાફેડ દ્વારા ખરીદાયેલી મગફળીનાં કૌભાંડનું ભૂત ૨૧મીએ ફરી ધૂણ્યું હતું. સૌરાષ્ટ્રના કોઇ વેપારીએ મગફળીમાં ધૂળ, ઢેફાં અને કાંકરા ભર્યા હોવાનો વીડિયો વાયરલ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કિસાન સેલના પાલભાઇ આંબલિયા સહિતના લોકોએ ગોદામમાં જનતા રેઇડ કરી હતી અને આ ગોદામને સીલ કરી તપાસની માગ કરી હતી.
સૌરાષ્ટ્રથી અહીં દોડી આવેલા કોંગ્રેસ પ્રદેશ કિસાન સેલના પાલભાઇ આંબલિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં એક વેપારીએ મગફળીની બોરીમાંથી મગફળી સાથે ધૂળ, ઢેંફા ને કાંકરી નીકળવાનો વીડિયો વાયરલ કર્યો હતો. જેની અમે તપાસ કરતાં આ સરકારી મગફળી ગાંધીધામના ગોદામમાંથી આવી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે અમે અહીં જનતા રેઈડ કરી હતી. આ કેસમાં હાલમાં વધુ તપાસ શરૂ કરાઈ છે.