નિરોણાઃ મધ ઉત્પાદન ક્ષેત્રે કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ખૂબ જ ટૂંકી સિઝનમાં પણ જિલ્લાના વન વિકાસ નિગમે ૬૦ ટન જેટલું મધ એકત્ર કર્યું છે. જે ગયા વર્ષના ઉત્પાદન કરતાં ત્રણ ગણું વધુ છે. મધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં ૯૦ ટકા જેટલો જથ્થો એકમાત્ર કચ્છ જિલ્લો આપે છે. આ સરહદી જિલ્લામાં કુદરતી ખોળે ઉછરતી એપીસ ફ્લોરિયા નામની મધમાખી દ્વારા મધ ઉત્પાદિત થાય છે. જિલ્લાના વન વિકાસ નિગમ લિ. દ્વારા દર વર્ષે આ મધમાખીની જાત દ્વારા સરેરાશ ૭૦૦થી ૮૦૦ ક્વિન્ટલ મધ મેળવવામાં આવે છે. મધ ઉત્પાદન ક્ષેત્રે બન્ની અને પાવરપટ્ટીનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. મધ ઉત્પાદકો પાસેથી મળતી માહિતી મુજબ હોળીના તહેવાર બાદ ૧૫મી માર્ચથી લઇ ૨૦ એપ્રિલ સુધીના ગાળાને મધ ઉત્પાદનનો મુખ્ય સમય ગણવામાં આવે છે. જિલ્લાના વન વિકાસ નિગમના સબ ડિવિઝનલ મેનેજર ખીમજીભાઇ મહેશ્વરીના જણાવ્યા મુજબ ૨૦૧૫-૧૬માં આ જ સમયગાળા દરમિયાન નિગમે ૧૮૨ ક્વિન્ટલ મધનો જથ્થો એકત્ર કર્યો હતો જ્યારે ચાલુ વર્ષે માર્ચ માસના અંતે ૫૮૫ ક્વિન્ટલ જેટલો મધનો જથ્થો એકત્ર થઇ ચૂક્યો છે. જેથી મધ ઉત્પાદકોને સારી એવી કમાણી થવાની આશા છે.
કચ્છમાં કોળી, વાઢા, દેવીપૂજક અને કેટલીક મુસ્લિમ જાતિના લોકો દ્વારા મધ એકત્ર કરાય છે. મધ મુખ્યત્વે બન્ની પંથકના ભીરંડિયારા, ડુમાડો, મિસરિયાડો, ઠીકરિયાડો, ખાવડા, ભુજ તાલુકાનાં કુરબઇ, નોખાણિયા, સુખપર, માનકૂવા, સામત્રા, ઝુરા, રેહા, સુમરાસર (શેખ), લોડાઇ, ઢોરી, કમાગુના, રાપર, પાવરપટ્ટીના લગભગ ગામો ઉપરાંત અંજાર તાલુકાનાં દુધઇ તેમજ મુંદરા અને માંડવી તાલુકાના કેટલાક વિસ્તારમાંથી પણ એકત્ર કરવામાં આવે છે.