ભુજઃ લખપત તાલુકાના માતાના મઢ નજીક દુર્લભ જેરોસાઈટ નામનું ખનિજ મળી આવ્યું હોવાનું તાજતરમાં જાણવા મળ્યું છે. આ ખનિજ પદાર્થ શોધવામાં ઈસરો-અમદાવાદ અને આઈટીઆઈ ખડગપુરના સંયુક્ત સંશોધન હાથ ધરાયું હતું જેને ભૂસ્તરશાસ્ત્રીઓ જેરોસાઈટ નામનું દુર્લભ ખનીજ માને છે.
લખપતમાં ખનિજ ખજાનો હોઈ પાનધ્રો, ઉમરસર, માતાના મઢમાં ઉચ્ચ ગુણવત્તાનો લિગ્નાઈટ મળી રહ્યો છે. લખપતમાં ક્રૂડ ઓઈલ અને બોક્સાઈટ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે કચ્છમાં જેરોસાઈટ અંગે મળતી વિગતો મુજબ આ દુર્લભ પદાર્થનું અત્યંત વિષમ વાતાવરણમાં સર્જન થાય છે, જેરોસાઈટ ખનિજ મંગળ ગ્રહ પર હોવાનું ૨૦૦૪માં ઈસરોએ જણાવ્યું હતું.
મિની મંગળ વિક્સાવી શકાય
માતાના મઢ આસપાસ જેરોસાઈટ મળી આવતાં લાલ રંગના આ પદાર્થથી આ વિસ્તાર લાલ રંગનો જોવા મળી રહ્યો છે. અહીં મંગળ ગ્રહની સપાટી જેવું ચિત્ર ઊભું થાય છે ત્યારે આ વિસ્તારને મિની મંગળ તરીકે જાહેર કરી પ્રવાસનને વધુ વેગવંતુ કરી શકાય તેમ છે.