ભુજ: કચ્છના રાપરના છેવાડામાં આવેલા ‘વ્રજવાણી’ સ્થાને ૧૩મી ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન ૮૫૫મી માનસ કથા આયોજિત થઈ છે. સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ નીતિ નિયમોના પાલન સાથે મર્યાદિત શ્રોતાઓ સમક્ષ આ કથાનું આયોજન કરાયું છે. યાદવ કુળના વંશજ ગણાતા આહીર પરિવારોની આસ્થાનું આ સ્થાન છે અને અહીં સુંદર રાધાકૃષ્ણનું મંદિર છે. મંદિરની વિશેષતાએ છે કે અહીં ૧૪૦ સતીમાતાઓની મૂર્તિઓ ગોળાકારે ગોઠવાયેલી છે જેમણે અહીં પ્રાણની આહુતિ આપી હતી.
કૃષ્ણભક્તિનાં પ્રતીક સમું આ સ્થાન એક દૃષ્ટિએ ‘પ્રેમ મંદિર’ છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધિકાજીની મૂર્તિ છે. આ મંદિર વિશ્વમાં દેહભાવથી પર, આત્મપ્રેમ, સંબંધ મુક્ત સંબંધનું પ્રેરણાદાયી પ્રતીક મનાય છે. વૃંદાવનની રાસલીલાને તાદૃશ કરનાર આહિરાણીઓનાં કૃષ્ણપ્રેમનું આ અદ્ભુત ઉદાહરણ મનાય છે. અનન્ય ભક્તિમાં, ગોપીભાવમાં ગોપીઓને કલાકો સુધી સતત કૃષ્ણ સાથે રાસ રમવાની શક્તિ પ્રાપ્ત થઈ! પણ અચાનક રાસનો તાલ તૂટતાં કૃષ્ણપ્રેમમાં તરબોળ માનુનીઓએ અગ્નિસ્નાનથી પોતાનું નારિત્વ ભસ્મ કર્યું અને સતીત્વ પ્રાપ્ત કર્યું! એ પ્રસંગનું અહીં અદભુત નિરૂપણ કરાયું છે. ભક્તિમાં એકતાન વાદ્યકારો ઢોલીઓનો એકતાર સધાયો હશે અને મસ્તક કપાયા છતાં ઢોલ પર થાપ પડતી રહી હશે! અને આખરે ગળામાં ઢોલ સાથે જ તેઓ નશ્વર થયાં એવું ચિત્ર અહીં સુંદર રીતે વર્ણવાયું છે.
આહીર સમાજની કૃષ્ણભક્તિએ આ અવાવરા ખંડેરને સ્થાને ‘પ્રેમ મંદિર’ સર્જવા પ્રેર્યા અને ઠાકરધણીની સાથે રાધારાણીની પ્રતિષ્ઠા કરી છે. પ્રતિવર્ષ હોમ-હવન, પાળિયા પૂજન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. સમસ્ત આહીર સમાજ એમાં ભક્તિથી જોડાય છે. ભક્તિરસ અને અનુરાગના પ્રસંગ વર્ણવતી આ કચ્છની ભૂમિ પરની મોરારિબાપુની આ ૨૮મી કથા છે. ભારતમાં મહુવા તલગાજરડા પછીના ક્રમે સહુથી વધુ વખત કચ્છમાં મોરારિબાપુનું કથાગાન થયું છે.
આ કથા માટે તલગાજરડા વ્યાસપીઠનાં સમર્પિત યજમાન પ્રવીણભાઈ તન્નાએ નિમિત્ત બનાવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો. વ્રજવાણી સ્થાને યોજાયેલી આ કથાનું શનિવારે સવારે ૯થી ૧ દરમિયાન અને સાંજે ૪થી૬થી આસ્થા ટીવી તેમજ યુ ટ્યૂબ પર પ્રસારણનું પણ આયોજન કરાયું છે.