ભૂજઃ કચ્છના અંજાર તાલુકાનાં નિંગાળ ગામના સુખી એવા એક આહીર પરિવારના સાત સભ્યોએ ગત વર્ષે ૨૩ માર્ચના રોજ સામૂહિક આત્મહત્યા કરી હતી. આ કેસમાં અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રાધેમાનું નામ ઊછળ્યું હતું, કારણ કે એ પરિવાર રાધેમાનો ભક્ત હતો અને આત્મહત્યા કરતી વખતે તેમના હાથમાં રાધેમાનો ફોટો હતો. આત્મહત્યા કરનાર એ આહીર પરિવારે તેમની તમામ મિલકત વેચીને રૂ. ૧.૫૯ કરોડ રાધેમા, સોનલ આહીર અને બલરામદાસને આપ્યા હોવાના આક્ષેપ થયા છે. એ કેસમાં સોનલ માનસુર આહીર અને બલરામદાસની તપાસ કરાઇ હતી પણ રાધેમાનું નામ સંડોવાયું હોવા છતાં ભીનું સંકેલી લેવાયું હતું અને તેમની તપાસ કરાઇ નહોતી. પોલીસ પર એ વખતે ઉપરથી દબાણ હતું એવા આક્ષેપ સાથે ધર્મરક્ષક મહામંચના રમેશ જોશી દ્વારા મુંબઇના કાંદિવલી પોલીસ સ્ટેશનમાં રાધેમા સામે તપાસ કરવામાં આવે એવી ફરિયાદ થઇ છે.
માંડવીમાં ચાંદ-તારા સાથેનો રાષ્ટ્રધ્વજ ફરકાવાતા વિવાદઃ માંડવીમાં વિન્ડ ફાર્મ બીચના રસ્તા પરની ધાંધલી મસ્જિદ પર ફરકાવેયાલા રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રના સ્થાને ઈસ્લામ ધર્મના ચાંદ-તારાને દર્શાવાયા હતા. આ દૃશ્ય જોતાં જ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવતા રાષ્ટ્રધ્વજનું અપાન કરવાનો કોઈ ઈરાદો ન હોવાનું તેમણે કહ્યું હતું. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સમાજના આગેવાનો સાથે બેઠક કરીને અટકાયતી પગલાં લીધા હતા.
રાપરની ત્રણ વ્યક્તિ પર ફાયરિંગ કરી સળગાવાયાઃ રાપર તાલુકાના ખેડૂકાવાંઢના ત્રણ વ્યક્તિ પર પાટણ જિલ્લાની પીપરાળા ચેકપોસ્ટ પર ફાયરિંગ કરી તેમને સળગાવી દેવાની ઘટના બની છે. આ ત્રણેયના અપહરણ કરી પીપરાળા ગામની સીમમાં સળગાવવાના કેસમાં મુન્દ્રાના બરાયાના બુટલેગરે રાપરની રવ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય સહિત નવ શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પાટણ અને પૂર્વ કચ્છ પોલીસની જુદી-જુદી આઠ ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે.