અમદાવાદ, ભુજઃ પાકિસ્તાનના તાલીમબદ્ધ આત્મઘાતી આતંકીઓ કચ્છ સાથે જોડાયેલા દરિયાઇ ક્ષેત્રને નિશાન બનાવી શકે છે તેવા ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ સમગ્ર પ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. માલવાહક જહાજોની અવરજવરથી ચોવીસેય કલાક ધમધમતા કંડલા મહાબંદર અને મુંદ્રા પોર્ટ સહિતના બંદરો પર આતંકીઓનો ડોળો હોવાની આશંકાના પગલે અહીં મરીન કમાન્ડો તૈનાત કરાયા છે. તો રાજ્ય પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારના મહત્ત્વના ઈન્સ્ટોલેશન્સનું ચેકિંગ શરૂ કર્યું છે. કંડલા પોર્ટ એડમિનિસ્ટ્રેશને તમામ જહાજોને સતર્ક રહેવાની સૂચના જારી કરી છે. કચ્છની દરિયાઇ સીમામાંથી ભારતમાં પ્રવેશીને પાકિસ્તાનના મરિન કમાન્ડો અને આતંકીઓની ટુકડી હુમલા કરી શકે છે તેવી બાતમીના પગલે કોસ્ટ ગાર્ડ સહિતની સુરક્ષા પાંખને સાબદી કરાઇ છે.
અંડર વોટર એટેકની આશંકા
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ ને હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ અફઘાનિસ્તાનના શખસોને ટ્રેનિંગ આપીને આતંક ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં ઘુસાડવા પ્રયાસ થઈ રહ્યાનું બહાર આવ્યુ હતું. તો હવે સરહદી જિલ્લા કચ્છમાં ગત કેટલાક દિવસોના ઘટનાક્રમ અને ઈનપુટના આધારે એલર્ટ જાહેર કરાયું છે. તેમાંય દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ-કંડલામાં અંડર વોટર એટેક થવાના ઈનપુટના આધારે હાઈ સિક્યોરીટી એલર્ટ જાહેર કરાયો છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટ અનુસાર પાકિસ્તાનના ટ્રેનિંગ પ્રાપ્ત કમાન્ડો ગલ્ફ ઓફ કચ્છમાં હરામી નાળા ક્રીકથી ઘૂસ્યા છે. જેમણે અંડર વોટર એટેક માટે ટ્રેનિંગ મેળવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોર્ટ દ્વારા આ અંગે તમામ શીપ એજન્ટ, સંગઠનો અને સંલગ્ન વ્યવસ્થાઓને સુચિત કરીને દરિયામાં કોઇ પણ અયોગ્ય હલનચલન કે સંદિગ્ધ હિલચાલ દેખાય તો તુરંત સુરક્ષા તંત્રને જાણ કરવા અને સતર્ક રહેવા તેમજ દરેક સ્થિતિ માટે તૈયાર રહેવાની સૂચના આપી છે.
ઇકબાલ બાજવા પોસ્ટમાં પાક. કમાન્ડો
ઇન્ટેલીજન્સ એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ સિરક્રીકની સામેની બાજુ પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સીમા પર સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડો તૈનાત કર્યા છે. બીજી તરફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કચ્છ અને બનાસકાંઠાની પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સીમા પર તેમ જ કચ્છની દરિયાઇ સીમા પર હાલમાં સઘન પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. સિરક્રીક સામે પાકિસ્તાનમાં ઇકબાલ બાજવા પોસ્ટ આવેલી છે, જ્યાં પાક. સ્પેશિયલ કમાન્ડોની અવરજવર વધી છે.
સુરક્ષા એજન્સીઓ સાબદી
રોષે ભરાયેલું પાકિસ્તાન કોઇને કોઇ પ્રકારે ભારતને નિશાન બનાવવાની તાકમાં છે. સરહદી ક્ષેત્રોમાં ભારતીય સુરક્ષા દળોએ લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. અહીંથી ભારતમાં ઘુસણખોરી શક્ય ન બનતાં હવે પાકિસ્તાની આતંકીઓ દરિયાઇ માર્ગે ભારતમાં પ્રવેશવા પ્રયત્નશીલ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નેવીના ચીફ એડમિરલ કરમબીર સિંહે ચેતવણી ઉચ્ચારી હતી કે પાકિસ્તાની મરિન કમાન્ડોએ જૈશ-એ-મોહમ્મદના જેહાદી આતંકવાદીઓને અન્ડર વોટર બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ આપી છે.
હવે ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે કે, કચ્છની દરિયાઇ સીમાક્ષેત્રમાં આતંકી હુમલા થઈ શકે છે. પરિણામે, કચ્છના કંડલા અને મુંદ્રા બંદરો સહિત ગુજરાતના સાગરકાંઠે હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે. એલર્ટના પગલે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, સીઆઇએસએફ, મરિન પોલીસ, બીએસએફ, કસ્ટમની સાથે સેન્ટ્રલ સિકયોરિટી એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યા છે.
ગાંધીનગર ખાતે ડિફેન્સ વિભાગના પીઆરઓ વિંગ કમાન્ડર પુનિત ચઢ્ઢાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે અમારી ડિફેન્સ વિંગ અને તેના અધિકારીઓ તેમ જ જવાનો રાઉન્ડ ધ ક્લોક એલર્ટ છે અને ચાંપતી નજર રાખી રહ્યા છે. પૂર્વ કચ્છમાં એસપીનો ચાર્જ સંભાળી રહેલા ડી. એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા પોર્ટ આસપાસના તમામ સ્થળોની ચેકિંગ કરાઇ છે. મરીન કમાન્ડોની ટુકડીને પણ તૈનાત કરીને લેન્ડિંગ પોઈન્ટ્સ, અગત્યના સ્થળોએ પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તેમ જ મરીન પોલીસ સાથે દરિયામાં પણ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.