ભુજઃ તાજેતરમાં મુંબઇ તેમજ અન્યે ફસાયેલા કેટલાક ઉત્તર ગુજરાતના લોકો અને કચ્છવાસીઓએ લોકડાઉનમાં રણ વાટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રવેશવા માટે પ્રયત્નો કર્યાં હતાં. સૂકુંભઠ્ઠ - ભેંકાર રણ પણ જાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તેવી ચહલપહલ અહીં શરૂ થઈ ગઈ હતી. આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા તંત્રએ નર્મદા નહેરના ઓવરફ્લો પંપમાંથી ધોધમાર પાણી છોડીને રણને ભીંજવવાનું શરૂ કરાયું છે. નર્મદાની નહેરમાંથી પાણીની પાઇપ ખોલીને રણમાં પાણીનો ઓવરફ્લો કરાયો હતો. રણમાં પાણી ભરાતાં હવે રણ ચાલવા યોગ્ય રહેશે નહીં અને જોખમી ઘૂસણખોરી અટકશે તેવું જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને મમાયમોરા ગ્રા.પં.ના અગ્રણી રમેશભાઇ દાદલે જણાવ્યું છે.