કચ્છમાં ૨૦૧૪ કરતાં ૨૦૧૭માં ભાજપના મતમાં ૨.૨૨ લાખનો ઘટાડો?

Wednesday 27th March 2019 07:09 EDT
 

ભુજઃ લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કચ્છમાં પણ ચૂંટણીપ્રચાર ચાલે છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય કાર્યકરોએ પાછલી ચૂંટણીઓના પરિણામને લક્ષમાં રાખીને આગામી ચૂંટણીનાં ચિત્ર અંગે વિશ્લેષણ શરૂ કર્યાં છે.
ચૂંટણી અંગે વિશ્લેષણ
આગામી ચૂંટણીમાં કચ્છ-મોરબી લોકસભા બેઠક પર કબજો મેળવવો કોઈ પક્ષ માટે આસાન કહી શકાય તેવી સ્થિતિ નથી. કારણ કે, કચ્છ લોકસભા બેઠક આમ ભલે ભાજપનો ગઢ કહેવાતી હોય, પરંતુ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ત્રણ વર્ષ બાદ યોજાયેલી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતોનું મૂલ્યાંકન કરવામાં આવે તો ભાજપના મતોમાં ધરખમ ઘટાડો થયો છે.
સાત વિધાનસભા બેઠકો
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨.૪૯ લાખની સરસાઈ હતી, પરંતુ એ જ લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકોના ૨૦૧૭ની ચૂંટણીના મતોનો સરવાળો કરવામાં આવે તો ભાજપ પાસે હવે માત્ર ૨૬,૦૦૦ મતની જ લીડ રહી છે. તો બીજી તરફ બંને ચૂંટણીઓમાં ભાજપને મળેલા મતોને ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૫૯.૫૪ ટકા મત મળ્યાં હતાં. જોકે વર્ષ ૨૦૧૭માં લોકસભા હેઠળની વિધાનસભામાં બેઠકોમાં ભાજપને માત્ર ૪૭.૧૨ ટકા મત મળ્યા હતા. આમ, કચ્છ-મોરબી લોકસભા બેઠકમાં ત્રણ વર્ષમાં ભાજપના ૧૨.૪૨ટકા મત ઘટ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. એ જોતાં કહી શકાય કે ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં કચ્છમાંથી ભારતીય જનતા પાર્ટીને બેઠકો જીતવા મહેનત કરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter