ભુજઃ નલિયા તાલુકાના ચીયાસર ગામની સીમમાં કચ્છમાં દુર્લભ ગણાતા પ્રાણી કીડીખાઉ એટલે પેંગોલીન દેખાયાના સમાચાર મળ્યા છે. જેથી વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ છે. કચ્છમાં આશરે ૩૫ વર્ષ બાદ આ પ્રાણી જોવા મળ્યું છે. કીડીખાઉ પ્રાણી લગભગ ત્રણ ફૂટની લંબાઈ ધરાવતું મગર જેવા દેખાવનું શરીરે સખત ભીંગડાના આવરણ ધરાવતું નિશાચર સરીસૃપ છે. જેનો મુખ્ય ખોરાક કીડા અને ઉધઇ છે. જેને ખાવા માટે ઉધઈના રાફડાને તે મજબૂત પગ વડે તોડી નાંખે છે. બાદમાં લાંબી નાળ જેવા મોં વાટે ચાબૂક જેવી ચીકણી જીભને રાફડામાં ઉતારે છે. જીભમાં ચીકાશને લીધે ચોંટી ગયેલા કીડા-ઉધઈ ખાઈને તે જીવે છે. ભુજ અને કચ્છના ઈતિહાસમાં ૧૯૮૩ની સાલમાં કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાં નવીન બાપટે આ પેંગોલીન ઓળખી બતાવ્યું હતું. બચ્ચું હોવાથી મરણ પામેલા આ પ્રાણીને કચ્છ મ્યુઝીયમમાં નમુના તરીકે સાચવવામાં આવ્યું હતું. પક્ષીવિદ્દ બાપટના જણાવ્યાનુસાર ભારતમાં થતા બે પ્રકારના કીડીખાઉમાં આ જાતનું સુકા વેરાન રણ જેવા પ્રદેશમાં દેખાય છે. માંડવી, મુંદ્રા, મઉ, લખપત જેવા જંગલોમાં પથરાળ જમીનમાં દેખાય છે. ભય જણાતા આ પ્રાણી સેવરા જેમ દડો વળી જઈ પોતાના સખત ભીંગડાના કારણે પોતાનું રક્ષણ કરે છે.