ભુજઃ જેવી રીતે કચ્છની કેસર કેરી દેશભરમાં ખ્યાતિ પામી છે તેવી રીતે કચ્છની ખારેક પણ દેશવિદેશમાં પ્રચલિત છે. કચ્છનું હવામાન ખારેકના ઝાડની ઝડપી વૃદ્ધિ પામે જેટલુ અનુકુળ છે તેટલુ પરદેશમાંય નથી. એક સમયે મુંદરા તાલુકાના ઝરપરા, ધ્રબ સહિતના કેટલાક ગામોમાં ખારેકનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતુ હતુ જો કે સેઝ, કંપનીઓના પ્રદુષણ અને ઔધોગિક એકમોની હાજરીથી ખારેકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ભારતમાં કચ્છ જિલ્લો એકમાત્ર એવો વિસ્તાર છે કે જયાં ખારેકનું વ્યાપારીકરણ ધોરણે વાવેતર કરવામાં આવે છે. પરદેશમાં અનુકુળ ન હોય તેવુ કચ્છનું હવામાન ખારેકને અનુકુળ પડે છે. પરિણામે, દેશ વિદેશમાં કચ્છની ખારેકે ખ્યાતિ મેળવી છે. એટલે જ, ખારેક એ કચ્છનું કલ્પવૃક્ષ મનાય છે. ઉપરાંત, એનો લાલ, પીળો રંગ અને મીઠાસ પણ અન્યત્ર જોવા મળતી નાથી. કચ્છમાં વર્ષ-૨૦૦૦ની આસપાસ ખારેકના ૧૪ લાખ નાના મોટા ઝાડ હતા જેમાંથી સાત લાખ ઝાડ ફળ આપતા હતા.
એક ઝાડ પર ૫૦ કિલો ખારેક પાકે તો કુલ ઉત્પાદન ૩૫ હજાર ટન જેટલુ થાય જો કે, ત્યારબાદ કચ્છમાં ભુકંપના લીધે ઔધોગિક એકમોનું આગમન થવાથી ખારેકના ઝાડોનું નિકંદન નિકળ્યું તો કયાંક કંપનીઓના પ્રદુષણના લીધે પણ કચ્છમાં ખારેકનું ઉત્પાદન ઘટયુ છે. જો ખારેકની ગુણવતા સુધારીને તેની વ્યવસ્થિત ખેતી થાય તો ખેડૂતોના ઉત્પાદનની કિંમત ગુણાકારમાં વધે અને સાથે સાથે તેની ખ્યાતિમાં પણ વધારો થાય. ઉલ્લેખનિય છે કે, ખારેકના ઝાડને માત્ર થડ હોય ડાળી નહિં પણ મુંદરા તાલુકાના ધ્રબ ગામે એક ઝાડને ડાળી ઉગી હતી અને તેના પર ખારેક પણ પાકતી હતી. વિશ્વમાં આવા માત્ર બે જ ઝાડ છે, બીજુ ઝાડ બગદાદમાં છે.