ભુજઃ કચ્છમાં સૌરાષ્ટ્રમાં મે-૨૦૨૦થી શરૂ થયેલા ૩થી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકાનો સિલસિલો નવા વર્ષના આરંભે પણ ચાલે છે. પહેલી જાન્યુઆરીએ રાત્રે ૧૧.૦૩ વાગ્યે ભચાઉથી ૧૦ કિ.મી. ઉત્તર-પૂર્વમાં જમીનથી ૧૫ કિ.મી. ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભચાઉ પાસે ગત આઠ માસમાં આ છઠ્ઠો અને બે માસમાં આ બીજો તીવ્ર ભૂકંપનો આંચકો છે. ૩૦મી ડિસેમ્બરે પણ કચ્છના કાવગા પાસે ૪.૨ના ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી.
કચ્છમાં એક તરફ કોલ્ડવેવ છે ત્યારે નલિયા સહિત કચ્છમાં ૧૦ સે.થી પણ નીચે ઠંડીનો પારો ઉતરી જઈ રહ્યો છે ત્યારે ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે. ગુજરાત અને દેશમાં જે ભુલાયેલ નથી તે કચ્છનો મહાવિનાશક ભૂકંપ પણ વર્ષ ૨૦૦૧માં ૨૬મી જાન્યુઆરીએ સવારે આવ્યો હતો. તેની તીવ્રતા ૭.૭ રિક્ટર સ્કેલની હતી. તે સમયે ૨૨ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી હતી અને વીસ હજારથી વધુ લોકોનાં મોત એ આફતમાં થયા હતા. અસંખ્ય લોકો ત્યારે ઘવાયા હતા અને લાખો બેઘર બન્યા હતા. દૂર દૂર સુધી વિનાશ નોતરનાર તે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકામાં હતું. તેથી કચ્છમાં સામાન્ય ભૂકંપના આંચકાથી પણ લોકો ભયભીત થઈ જાય છે.