ભુજઃ પુલવામામાં ભારતીય જવાનોના કાફલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં પોલીસ અને લશ્કરી-અર્ધલશ્કરી દળોએ આંતરિક-બાહ્ય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. સરહદે હાઈ અલર્ટની પરિસ્થિતિ વચ્ચે પૂર્વ કચ્છના અબડાસા તાલુકાના અંતરિયાળ બોહા અને રાયધણઝર ગામના સીમાડે વાડીની ઓરડીમાં દેશી બંદુક-દારૂગોળો બનાવવાનું મિની કારખાનું ઝડપાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કોઠારા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર ગઢવીને દેશી હથિયારના કારખાના વિશે બાતમી મળતાં ઇન્ચાર્જ પીએસઆઈ એસ એ ગઢવી સહિતના કાફલાએ ૨૨મીએ દસ વાગ્યે નૂરમામદ ઈશાક હિંગોરાની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
પોલીસને જોઈ પંચાવન વર્ષના નૂરમામદે નાસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને પકડી લઈ સાથે રાખી ઓરડીમાં તપાસ કરતાં ઓરડીમાંથી નાળ વગરની એક દેશી બંદુક, ૧૨ બોરની બંદુકની ૩ નંગ ફૂટેલી કારતૂસ, અડધી-અધૂરી બનેલી દેશી બંદુકો, લાકડા અને લોખંડની પાઇપના ટુકડા, પતરું, દારૂગોળો બનાવવા ઉપયોગમાં લેવાતું ગંધક, શસ્ત્રો બનાવવા માટેના વિવિધ ઓજારો જેવા કે કાનસ, કટર, હેમરી પથ્થર, ડિસમિસ, આરી, કરવત, છીણી, હથોડી, સ્ક્રૂડ્રાઇવર, ડ્રિલ મશીન, કટર, વેલ્ડિંગ મશીન અને એ માટે વપરાતાં તાંબાના સળિયા વગેરે માલસામાન મળી આવ્યો હતો. સ્થળ પર પડેલી મહિન્દ્રા બોલેરો જીપ પણ પોલીસે જપ્ત કરી છે.