ભુજઃ જિલ્લાના કોટડા ચકાર ગામ પાસે આવેલા ખાત્રોડ ગામના ડુંગરોની હારમાળામાંથી કરોડો વર્ષ જૂના ૭ ઇંચ લાંબા અને ૪ ઇંચ પહોળા ઈંડાનું અશ્મિ મળી આવતાં કુતૂહલ ફેલાયું છે.
અશ્મિમાં સ્પષ્ટ રીતે ઈંડાનું બાહ્ય સખત આવરણ અને આંતરિક જરદી દેખાય છે. મૂળ માધાપરના વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા ડોક્ટર હીરજી એમ. ભુડિયા અને ભુજના જાંબુડી ગામના રહેવાસી હરપાલસિંહ જાડેજાની સંયુક્ત શોધખોળ દરમિયાન આ ઈંડાનું અશ્મિ મળી આવ્યું હતું.
ડો. ભુડિયા વતન કચ્છની મુલાકાતે આવ્યા છે. ખાત્રોડના ડુંગરમાંથી મળેલું ઈંડાનું અશ્મિ ૧૩થી ૧૪ કરોડ વર્ષ જૂના મહાકાય મગરનું હોવાની શક્યતા તેમણે એક અહેવાલમાં વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં ડાયનોસોર વિચરણ કરતા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આથી આ ઈંડું ડાયનોસોરનું હોવાની શક્યતા ઓછી છે. એ જ રીતે કાચબાનાં ઈંડાં નાનાં હોય છે.
જોકે એ સમયે મહાકાય મગરો વિચરણ કરતા હતા. કરોડો વર્ષ પૂર્વે અહીં નદી કે સાગરકાંઠો હોવાની શક્યતા દર્શાવતાં તેમણે જણાવ્યું કે ૧૩થી ૧૪ કરોડ વર્ષ પૂર્વે ૧૫થી ૧૮ મીટર લાંબા મહાકાય મગરો વિચરણ કરતા હતા. જુરાસિક યુગના આ મગરો ક્રોકોડાઇલ નહીં, પણ ક્રોકોડિલિયન્સ (અર્વાચીન મગરોના પૂર્વજ) તરીકે ઓળખાય છે. આ મગરો પાણી પીવા આવતા ડાયનોસોરની ડોક પકડી તેમનો શિકાર પણ કરી ખાતા હતા.
કાચબા-મગર જેવા જળચર પ્રાણીઓ એમનાં ઈંડાં સમુદ્રકાંઠે રેતીમાં છુપાવી સેવતાં હતાં. એથી શક્ય છે કે અહીં ક્રોકોડિલિયન્સની હેચરીઝ (ઈંડાં સેવવાની વસાહત) મળી આવે. આ માટે સમગ્ર વિસ્તારનો ટૂંક સમયમાં સઘન સર્વે કરવામાં આવશે એમ ડો. ભુડિયાએ જણાવ્યું હતું.