કચ્છ પંથકની આગવી ઓળખ સમાન ખારાઈ ઊંટની પ્રજાતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઇ ચૂક્યા છે. આ ઊંટ દેશમાં જ નહીં, કદાચ વિશ્વમાં પણ, ઊંટની એકમાત્ર એવી પ્રજાતિ છે જે રણ અને દરિયા એમ એકદમ વિપરિત માહોલમાં રહેવા ટેવાયેલી છે. દરિયામાં નાના બેટ પર ઉગતી ચેરિયા નામની વનસ્પતિ આ ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે, ખારાઈ ઊંટ દરિયામાં એકથી દોઢ કિલોમીટર સુધી ઊંડા પાણીમાં તરીને બેટ સુધી પહોંચી જાય છે. ખંભાતના અખાતમાં પણ કચ્છના ખારાઈ ઊંટ જોવા મળે છે. કચ્છમાં ખારાઈ ઊંટની સંખ્યા ૨૦૦૦ જેટલી છે. આવી વિશિષ્ટ પ્રજાતિના ખારાઈ ઊંટને ગુજરાત સરકારના પ્રયાસોથી ૨૦૧૫માં દેશની ઊંટની આઠમી નસલ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી છે. ઊંટનું દૂધ ઔષધીય રીતે ખૂબ જ ગુણકારી હોઈ, શરૂઆતથી જ તે ઊંચા ભાવથી વેચાય છે.