ભુજ-રાજકોટઃ ટૂંક સમયમાં જ શરાબના શોખીનો દેશ-વિદેશમાં વખણાતી કચ્છની મીઠી મધુરી ખારેકનો શરાબ પીતાં પીતાં ‘ચિયર્સ’ કરશે. ગુજરાતના ત્રણ યુવા ઉદ્યોગ સાહસિકોને આબકારી ખાતાની મંજૂરી મળી જતાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં જ કચ્છી ખારેકનો શરાબ રાજ્યની પરમિટ સાથેની ૬૫ લીકર શોપમાં પહોંચાડવાની તૈયારીમાં છે.
ચાલુ વર્ષના અંત સુધીમાં કચ્છમાં નોંધપાત્ર પ્રમાણમાં વવાતા દાડમમાંથી પણ દારૂ બનાવવાનું તેમનું આયોજન છે. કચ્છના રણજિતસિંહ, મહેસાણાના હરપ્રીતસિંહ અને જસવંતસિંહે રૂ. ૧૦ કરોડના ખર્ચે આબુરોડ પર બનાવેલી પીઝન્ટસ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લિ. કંપનીની ફેક્ટરી વાર્ષિક બે લાખ લીટર શરાબ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
આ ત્રણેય મિત્રોના પરિવારો બે પેઢીથી ગુજરાતમાં આવીને વસી ગયા છે. પીળા રંગની બારહી ખારેકમાંથી શરાબ બનાવવાનો નવતર પ્રયોગ કરનારી આ ત્રિપુટી દાડમમાંથી દારૂ બનાવવાનો પ્રયોગ પણ કરી રહી છે. હરપ્રીતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સવાસોથી દોઢસો રૂપિયે કિલોના ભાવ સુધી વેચાતી કચ્છી ખારેકની માગ ઘટે ત્યારે ભાવ ગગડી જાય છે. એ જોતાં તેમાંથી વાઇન બનાવવાનો વિચાર આવ્યો. આ વાઇનમાં આલ્કોહોલનું પ્રમાણ ૧૩ ટકા જેટલું છે. ત્રણેય યુવાનોએ આ શરાબ માટે પેટન્ટ પણ મેળવી લીધી છે.