ભુજઃ કચ્છી લેઉઆ પટેલ જ્ઞાતિ સમાજનો ૪૫મો ત્રિદિવસીય સમૂહલગ્નોત્સવ ૨૯મી નવેમ્બરથી ભુજ ખાતે યોજાયો હતો. આ સમૂહલગ્નોત્સવમાં સમાજની સ્થાપનાની સુવર્ણ જયંતી ઊજવણીની વિગતો પણ અપાઈ હતી. સમાજના મોભેદારોએ એવી રજૂઆત કરી હતી કે, આ સમાજની ઈ.સ. ૨૦૦થી અત્યારની સ્થિતિનો ચિતાર આપતી દસ્તાવેજી ફિલ્મ નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
• માંડવીના પ્રવાસનધામમાં પ્રવાસીઓની ભીડઃ કચ્છમાં રણોત્સવનો માહોલ છે ત્યારે તેની રંગત માંડવીના પ્રવાસધામો ખાતે જોવા મળી હતી. માંડવી શહેર તેમજ માંડવીને જોડતા માર્ગો સતત ચાર દિવસ સુધી ટ્રાફિકથી ધમધમતા જોવા મળ્યા હતા. માંડવી બીચ, ધ્રબુડી, ક્રાંતીતીર્થ, વિજયવિલાસ પેલેસ, અંબેધામ-ગોધરા, ૭૨ જિનાલય, માનવ મંદિર, સમવસરવા જૈનતીર્થ સહિતના પ્રવાસધામો ઉપર પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. ગુજરાતભર અને દેશના વિવિધ રાજ્યોમાંથી ઊમટેલા પ્રવાસીઓથી ભારે ચહલપહલનાં પગલે તમામ હોટલ અને અતિથિગૃહો ઉપર હાઉસફુલના પાટિયા લાગી ગયા હતા.
• ઠંડક વધતાં ઘઉંના વાવેતરમાં ગરમીઃ કાશ્મીરી બરફવર્ષાના ટાઢાબોળ પવનોના કારણે શિયાળો સરહદી કચ્છ પ્રદેશ પર પકડ જમાવવા માંડયો છે. કચ્છના કાશ્મીર એવા નલિયામાં ૨૯મી નવેમ્બરે ૧૦ ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર ગુજરાતનું સૌથી શીતળ સ્થળ બની રહેતાં ગ્રામીણ જનજીવન નખશીખ ઠારમાં થરથરવા લાગ્યું હતું. કચ્છના વાતાવરણમાં ઠંડકે જોર પકડતાં જ ઘઉંના વાવેતરમાં ગરમી આવી છે અને ખેડૂતો ઘઉંની વાવણીમાં પરોવાયા છે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પણ ધરતીપુત્ર કૃષિકાર્યને ખૂબ જ લગનથી પાર પાડી રહ્યો છે.
• ‘કચ્છમાં ફરી ફરી આવવાનું મન થાય છે.....’
‘કચ્છ કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો એટલો સુંદર પ્રદેશ છે કે અહીં ફરી ફરી આવવાનું મન થાય છે...' આ શબ્દો છે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસીના વિશ્વવિખ્યાત પૂર્વ પત્રકાર અને પદ્મભૂષણ વિજેતા વિલિયમ માર્ક તુલીના કે જેઓ ૨૯મી નવેમ્બરથી બે દિવસ માટે આ પ્રદેશના મહેમાન બન્યા હતા. નવી દિલ્હીના બીબીસી બ્યૂરો વડા રહી ચૂકેલા અને ૩૦ વર્ષની સેવા બાદ ૧૯૯૪માં નિવૃત્ત થયેલા તુલી ગિલિયન રાઈટ પત્ની સાથે કચ્છ પ્રવાસે આવ્યા હતા. તેમણે મોટી વિરાણી ખાતે સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઓશન (સીઈડીઓ)ની મહેમાનગતિ માણી હતી, જ્યાં પર્યાવરણવિદ્ અને સંસ્થાના સ્થાપક જુગલ કિશોર તિવારીએ ૮૦ વર્ષીય તુલીને વિસ્તાર અને વિવિધ પક્ષીઓની પ્રજાતિની વિગતો આપી હતી. તુલીએ બન્નીના ઘાસિયા મેદાનો, છારીઢંઢ, મોઢવા કાંઠો ઉપરાંત કિરો ડુંગરની મુલાકાત લીધી હતી. તિવારીએ કહ્યું કે તુલી બહુ સારું હિન્દી બોલી જાણે છે અને તેમણે કચ્છની સુંદરતા જોઈને ફરી ફરી આવવાની ઈચ્છા દર્શાવી હતી.
• કપાસમાંથી ખેડૂતોને રૂ. ૧૦૦ કરોડ ઉપજશેઃ અબડાસાના પિયત વિસ્તારમાં ગત મે-જૂન મહિનામાં કપાસનું વાવેતર થયા પછી હવે તેનો સારો એવો ફાલ ઉતરવા લાગ્યો છે. ચોમાસું અને સુકારા રોગચાળાએ મોટાપાયે ભરડો લીધો હોવા છતાં કપાસનો ફાલ પ્રમાણમાં સારો ઉતરતાં ખેડૂતોને અંદાજિત રૂ. સો કરોડની આમદની થશે.