કેરા (તા. ભુજ): કચ્છીઓની આફ્રિકા હિજરતના સ્વર્ણિમ ઇતિહાસનું વધુ એક પૃષ્ઠ પૂર્ણ થયું છે. મોમ્બાસાને કર્મભૂમિ બનાવનાર કચ્છ-સૂરજપરના હરિભાઇ કેસરા હાલાઇનું ૯૧ વર્ષની વયે પૈતૃક ગામે અવસાન થયું છે. ૨૩ માર્ચે સાંજે તેમના અંતિમસંસ્કાર કરાયા હતા.
સમાજના કુમાર-કન્યાઓએ આધારસ્તંભસમાન દાતાને પુષ્પાંજલિ અર્પણ કરીને આખરી વિદાય આપી હતી. ૨૦૧૦થી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ પદનો કાર્યભાર સંભાળતા સદ્ગત હરિભાઇએ લેવા પટેલ સમાજની નૂતન વિંગ, કે. કે. પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ, સમાજ સ્થાપનાની સુવર્ણ જયંતીથી લઇને વર્તમાન વિકાસમાં ટપકેશ્વરી રોડ પરનું નૂતન શૈક્ષણિક સંકુલ, કૃષિમોલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કૌશલવર્ધન કેન્દ્ર સહિત અનેકવિધ યોજનાને સાકાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
સ્વ. હરિભાઇને વર્તમાન પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ સમાજ વતી શ્રદ્ધાંજલિ આપી હતી. તો એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે હરિભાઇની વિદાયથી માત્ર લેવા પટેલ સમાજને જ નહીં, પરંતુ સર્વજન હિતાયના મોટા કાર્યોને ખોટ પડી છે. તેમના બંને પુત્રો વિનોદભાઈ (ટ્રસ્ટી - યુકે કોમ્યુનિટી) અને મહેન્દ્રભાઈ પણ સેવાલક્ષી કાર્યોની જવાબદારી નિભાવે છે.
સમાજ વતી મંત્રી ગોપાલભાઇ ભીમજી વેકરિયા અને ટ્રસ્ટ મંત્રી કેસરાભાઇ પિંડોરિયાએ કહ્યું, હરિબાપાનું પ્રદાન આ સમાજ ક્યારેય નહીં ભૂલી શકે. મોભી અરજણભાઇ પિંડોરિયાએ હરિભાઇ હાલાઇને આત્મીય દાનવીર-કર્મવીર ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરનો શિલાન્યાસ સદ્ગત હરિભાઇ હાલાઇ પરિવારે કર્યો હતો.
મોમ્બાસા મંદિર પ્રમુખ નારાણભાઇ મેપાણી, મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઇ પિંડોરિયા, નાઇરોબી સમાજ પ્રમુખ ભીમજીભાઇ હાલાઇ, યુકે કોમ્યુનિટી અધ્યક્ષ વેલજીભાઇ વેકરિયા, પૂર્વ અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા (કેન્ફોર્ડ), અગ્રણી કરસનભાઇ કાનજી રાઘવાણી, નાઇરોબીથી લક્ષ્મણ ભીમજી રાઘવાણી, વિલ્સડન મંદિરના પ્રમુખ કુંવરજીભાઇ કેરાઇ, ટ્રસ્ટી કે. કે. જેસાણી સહિત અનેક ક્ષેત્રના અગ્રણીઓએ સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પતા તેમના સેવાકાર્યોને બિરદાવ્યા હતા.