કેરાઃ છેલ્લાં ચાર વર્ષમાં વિકાસનાં ઐતિહાસિક કાર્યો કરી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજને મૂળ ફોટડીના મોમ્બાસાવાસી દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારે વધુ ૧૬ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તાજેતરમાં નર્સિંગ છાત્રાલયમાં કન્યાઓના પ્રવેશ પ્રસંગે ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયાએ આ ઉદાર સખાવત માટે દાતાઓનો આભાર માન્યો હતો.
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટિસ ભુજમાં અભ્યાસ કરતી ૧૯૨ જેટલી દીકરીઓ માટે સમાજના કન્યા રતનધામ અને સુરજ શિક્ષણધામ નૂતન શૈક્ષણિક સંકુલ ટપકેશ્વરી રોડ મધ્યેના પરિસરમાં છાત્રાલય સુવિધા શરૂ કરાઇ હતી. અહીં નર્સિંગ કોલેજ શિક્ષણ માટે બિલ્ડીંગ નિર્માણાધિન છે. અંદાજે ૪૭ એકરનું આ વિવિધલક્ષી સંકુલ ૨૦૧૯માં વિશ્વવાસી લેઉવા પાટીદારોના અગ્રિમ દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા દ્વારા રૂ. ૨૭ કરોડ જેટલાં દાનથી સાકાર થયું હતું. આ સંકુલ સમાજને અર્પણ કરાયા પછી અહીં નર્સિંગ કોલેજ, કન્યા સંસ્કારધામ, સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ભવન, રમત-ગમત સુવિધા સહિતની સગવડો ઊભી કરવા વધુ ભુડિયા પરિવારે વધુ રૂ. ૧૬ કરોડ રૂપિયાનું દાન સમાજને અર્પણ કર્યું છે. સમાજના વિકાસ પુરુષ ગોપાલભાઇ માવજી ગોરસિયાએ આ સંકુલ ચોવીસીના વિશ્વભરમાં વસતા લેવા પટેલો માટે શિક્ષણ વિકાસ અને આત્મગૌરવનું કેન્દ્ર બનશે અને તે માટે યુવા દાતા હસમુખભાઇ ભુડિયા યશાધિકારી હોવાની લાગણી વ્યકત કરી હતી.
દાતા હસમુખભાઇની આ વીરલ સેવાઓ ઐતિહાસિક હોવાનું જણાવતાં મોભી અરજણભાઇ પિંડોરિયાએ નવી પેઢીને પ્રેરણા લેવા ભાવના દર્શાવી હતી.
હસુભાઇની દિલેરી
આફ્રિકન બાળકોના ભાગ્યવિધાતા મૂળ ફોટડી કચ્છના મોમ્બાસા, નાઇરોબી, યુગાન્ડામાં સિમેન્ટ અને લોખંડ માંધાતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હસમુખભાઇ કાનજી ભુડિયા પ્રતિ વર્ષ સાર્વજનિક અને સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અંદાજે ૫૦ કરોડ રૂપિયા જેટલું દ્રવ્ય ખર્ચે છે. આટલી મોટી અને દીર્ઘકાલીન સેવા કરનારા તેઓ પ્રથમ અને એકમાત્ર કચ્છી દાનવીર છે.
તેમના પિતા કાનજીભાઇ, પાલક પિતા કેશવલાલભાઇ, બંધુ અરવિંદભાઇ, દાદા પ્રેમજીભાઇ અને દાદી મેઘબાઇબહેનનાં સ્મરણાર્થે કરેલી સેવાઓ જાતિ-ધર્મ, દેશના ભેદભાવ વગર સમાનભાવે થયેલી છે અને થઇ રહી છે. તેમણે ભુજ સમાજને વધુ ૧૬ કરોડની સખાવત
કરી છે.