કચ્છી હસ્તકલાના રંગોમાં વિદેશી જ્યુડીએ જીવન જોતર્યું

Friday 20th March 2020 09:40 EDT
 
 

આદિપુરઃ કચ્છમાં હસ્તકલાનો ઉદ્યોગ દેશવિદેશમાંથી પણ કલાપ્રેમીઓને આકર્ષે છે અને કારીગરોના હીરને પારખીને તેઓના વિકાસ માટે કેટલાક તો કચ્છમાં જ વસી જાય છે. આવી જ એક વિદેશી મહિલા કચ્છમાં વસી છે. અમેરિકા છોડીને આદિપુરમાં મુંબઈના ટ્રસ્ટના સહયોગથી જ્યુડી ક્રેટરે અભિયાન આદર્યું છે. જ્યુડીના લીધે કચ્છના અનેક કારીગરોની કારીગીરીને એક નવો ઓપ મળ્યો છે અને આ કલાના માધ્યમથી આર્થિક સદ્ધર બન્યા છે. જ્યુડીએ દોઢ દાયકા સુધી કારીગરોને શિક્ષિત કર્યાં છે. આદિપુરમાં સોમૈયા કલા વિદ્યાના સહયોગથી કચ્છની પ્રથમ ડિઝાઈન એજ્યુકેશનનો કોર્સ ચલાવતા અમેરિકાના પેન્સિલવેનિયાના જ્યુડી ફ્રેટરે હસ્તકલાને આગળ વધારવાની પ્રેરણા માટેનો દાખલો અજોડ છે.
જ્યુડી કહે છે કે, અમેરિકામાં તેઓ ધો. ૧૦માં અભ્યાસ કરતાં હતાં ત્યારે એક બહેને તેમને હેન્ડીક્રાફ્ટની કૃતિ બતાવી. એ પછી આ આર્ટ અને ટેક્સટાઈલમાં તેમને રસ પડયો. કોલેજના અભ્યાસ બાદ પૂણેમાં ૬ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કર્યો. દરમિયાન ૧૯૭૦માં ફરવા માટે પ્રથમ વખત કચ્છ આવ્યાં. તેમણે અનુભવ્યું કે, હસ્તકલાના કારીગરો પાસે જ્ઞાન છે, પરંતુ તે જ્ઞાન યોગ્ય રીતે ઝળકી રહ્યું નથી. આ વિચાર સાથે કચ્છમાં સમયાંતરે તેઓ આવતાં રહ્યાં અને સંશોધન શરૂ કર્યું. એ પછી તો કચ્છ જ ઘર બની ગયું. અમેરિકાના વતની હોવા છતાં જ્યુડીએ શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપીને જણાવ્યું કે, હસ્તકલાના કારીગરોને આગળ વધારવા તે સમયે પણ અભિયાન જરૂરી લાગ્યું હતું અને આજે અભિયાન આગળ વધારવું પણ જરૂરી લાગી રહ્યું છે. આ કારીગરોની સ્થિતિ બહુ કફોડી જોઈ છે. કારીગરો માટે ડિઝાઈન એજ્યુકેશન સ્કૂલ શરૂ કરવા સૌપ્રથમ તલસ્પર્શી સંશોધન કરવું પડ્યું હતું.
ડિઝાઈન એજ્યુકેશનના અભ્યાસક્રમ અંગે સંશોધન કરીને પછી કલાકારોનો બને એટલો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. ભૂકંપ પહેલાં આ માટે ભંડોળ પણ એકત્ર કરાયું હતું જેમાં સારો સહયોગ મળ્યો હતો. ભૂકંપ બાદ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ અને યુનેસ્કોમાંથી ભંડોળ મળ્યું હતું. વર્ષ ૨૦૦૫માં મુંદરા તાલુકાના ટુંડાવોંઢમાં કચ્છના હસ્તકલાના શિક્ષણનો પ્રથમ વખત આરંભ થયો હતો. પ્રથમ વર્ષે ૨૫ જેટલા વિદ્યાર્થીઓ સાથે આ એક વર્ષનો અભ્યાસક્રમ કલા રક્ષા વિદ્યાલય દ્વારા શરૂ કરાયો હતો. એ પછી ૨૦૧૪માં આદિપુરમાં મુંબઈના કે. જે. સોમૈયા ટ્રસ્ટ સાથે મળી આ ડિઝાઈન સ્કૂલના પ્રકલ્પને આગળ વધારવા કાર્ય શરૂ કર્યું. આ કોર્સ થકી આશરે દોઢ દાયકામાં ૧૯૫થી વધુ કારીગરોને સ્નાતકની પદવી અપાવી છે. આ શાળામાં ઉંમરનો કોઈ બાધ નથી અને કોઈ અભ્યાસની પણ જરૂરિયાત નથી. માત્ર કારીગરી આવડતી હોવી જોઈએ એ જરૂરી છે. અનેક વિદ્યાર્થીઓએ અમેરિકાની માર્કેટમાં કલાને રજૂ કરી છે. લેકમે ફેશન વીકમાં પણ આ સંસ્થામાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ ભાગ લઈ ચૂકયા છે.
વિશ્વવિખ્યાત કલા સંગ્રહાલયોમાં હસ્તકલાની કૃતિઓ મૂકવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં અમેરિકાના પ્રખ્યાત ટેકસટાઈલ મ્યુઝિયમમાં પણ આ સંસ્થાના કારીગરોની કૃતિ મુકાશે તેવું જ્યુડી કહે છે. જ્યુડીનું કહેવું છે કે, દેશમાં ખેડૂત પછી બીજા નંબરે હસ્તકલાના કારીગરોની સંખ્યા વધુ છે, પરંતુ કચ્છને બાદ કરીને દેશમાં હસ્તકલાની સ્થિતિ કફોડી છે. કચ્છમાં હસ્તકલાનું મહત્ત્વ ઘણું અંકાય છે, પરંતુ તેને જોઈએ તેવું માર્કેટ નથી મળતું. લોકો ડિઝાઈનરને તગડી રકમ આપી દે છે, પરંતુ હસ્તકલાની વસ્તુમાં રકઝક કરતાં મેં જોયાં છે. કારીગરોને માર્કેટના સંપર્કમાં લાવવાની જરૂરિયાત હોવાનો મત જ્યુડીએ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ડિઝાઈન સ્કૂલને આગળ વધારવા ઘણું કામ કરવાનું છે. જ્યુડીને આ પ્રકલ્પ માટે અશોક ફેલોશિપ એનાયત કરાઈ છે. જ્યુડીનું મિશા બ્લેક મેડલ અને ક્રાફટ કાઉન્સિલ ઈન્ડિયા દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter