નવી દિલ્હીઃ પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે. વિદેશમાં વસતાં આવા ભારતીયો જ દેશના ‘કાયમી રાષ્ટ્રદૂત’ છે - આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. કેન્યાના નૈરોબીમાં યોજાયેલા કચ્છી લેવા પટેલ સમાજ - નૈરોબી વેસ્ટ સંકુલના રજત જયંતી ઉજવણી સમારોહને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા વડા પ્રધાને કચ્છીઓના પુરુષાર્થને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે કલમને જ્યાં રોપો જ્યાં મહોરે એમ કચ્છીઓ જ્યાં ગયા ત્યાં વિકસ્યા છે. જ્યાં રોપાયા ત્યાં ઉગ્યા છે...
કચ્છડો ખેલે ખલક મેં, જી મહાસાગરમેં મચ્છ... સુપ્રસદ્ધિ ઉક્તિનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે સ્વદેશ હોય કે પરદેશ, વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રદાન ઉલ્લેખનીય છે. ખાસ તો ૨૦૦૧માં કચ્છના વિનાશક ભૂકંપ વખતે જિલ્લામાં પુનઃ નિર્માણ, પુનર્વસન સહિતના સર્વાંગી વિકાસ કાર્યોમાં કચ્છી લેવા પટેલ સમાજે આપેલું યોગદાન ઉલ્લેખનીય છે.
કચ્છના સર્વાંગી વિકાસ બે યોજના
વડા પ્રધાને આ પ્રસંગે કચ્છ જિલ્લાના સમગ્રતયા વિકાસને વેગ આપે તેવી બે મહત્ત્વની માહિતી આપતાં કહ્યું હતું કે કચ્છમાં ૫૦ હજાર એકરમાં કોસ્ટલ ઇકોનોમી ઝોન (સીઇઝેડ) સ્થાપવાનું સરકાર વિચારી રહી છે.
આ ઉપરાંત દહેજ-ઘોઘા ફેરી સર્વિસનો સંદર્ભ ટાંકતાં તેમણે કહ્યું હતું કે કચ્છના અખાતમાં રો-રો ફેરી સર્વિસની શક્યતા ચકાસતો અહેવાલ સરકારને સોંપી દેવાયો છે. કચ્છ પંથકમાં સમુદ્ર જળ પરિવહન શરૂ થતાં જ કચ્છ-સૌરાષ્ટ્ર ખૂબ જ નજીક આવી જશે.
કેન્યાની સ્વતંત્રતા ચળવળમાં ભારતીય સમુદાયના સભ્યોની ભૂમિકાને પણ યાદ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે ભારતીયો આફ્રિકા સાથેના સંબંધોને મજબૂત બનાવવામાં સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે.
એક જમાનામાં નિર્જન રણ પ્રદેશની છાપ ધરાવતો કચ્છ પ્રદેશ આજે દેશ-દુનિયાના પ્રવાસીઓ માટે પ્રિય પર્યટન સ્થળ બની રહ્યો છે તેવો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કચ્છ પ્રદેશમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારના સહયોગની પણ નોંધ લીધી હતી. ગુજરાતના સર્વાંગી વિકાસની નોંધ લેતા તેમણે કહ્યું હતું કે રાજ્યના વિકાસ મોડેલનો દેશના ઘણા રાજ્યોમાં અમલ થઇ રહ્યો છે.
ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ બની રહ્યા હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ભારતના યજમાનપદે ઇંડિયા-આફ્રિકા સમિટ અને આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની બેઠક યોજાઇ હતી.
આફ્રિકી દેશોમાં ૧૮ નવી એમ્બેસી
ભારત સરકારે આફ્રિકી દેશોમાં ૧૮ નવી એમ્બેસી - હાઇ કમિશન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તેવી જાણકારી પણ વડા પ્રધાન મોદીએ આ સંબોધન દરમિયાન આપી હતી. તેમણે કહ્યું આ સુવિધા જે તે દેશમાં વસતા ભારતીયો માટે ઘણી ઉપયોગી બની રહેશે.
વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન પોતાના ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ વિશ્વના અનેક દેશોની મુલાકાત લઇને દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવ્યા છે અને આ દેશોમાં આફ્રિકાનો પણ સમાવેશ થાય છે, એ વાતનો પણ મોદીએ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
યુવા પેઢીને ભારત આવવાનું આમંત્રણ
વડા પ્રધાને આ સંબોધન દરમિયાન જાન્યુઆરી ૨૦૧૯માં યોજાનારા કુંભમેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનો અનુભવ કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે. જેઓ ક્યારેય પણ ભારતની મુલાકાતે નથી આવ્યા તેમને આ સમય દરમિયાન ખાસ ભારતની મુલાકાતે આવવા વડા પ્રધાને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ જ અરસામાં રણોત્સવ પણ ચાલતો હશે. આથી કુંભમેળાથી સીધા રણોત્સવમાં પહોંચવા માટે તેમણે કેન્યાવાસી કચ્છીઓને, સવિશેષ તો યુવા પેઢીને ઇજન આપ્યું હતું.
વિદેશવાસી ભારતીયો તો હિન્દુસ્તાનના રાષ્ટ્રદૂત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આગવી વાક્છટામાં સંબોધન કરીને વિદેશવાસી ભારતીયોના દિલ જીતી લીધા હતા. તેમણે બિનનિવાસી ભારતીયોને રાષ્ટ્રદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજદૂત તો એક હોય છે, પરંતુ ભારત બહાર વસતા હમવતનીઓ હિન્દુસ્તાનના લાખો રાષ્ટ્રદૂતો છે.
દસકાઓથી આફ્રિકામાં વસવાટ છતાં કચ્છી લેવા પટેલ સમાજે સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે. કચ્છીઓ જ્યાં જાય ત્યાં કચ્છ બની જાય. વરસાદ કચ્છમાં, શીરો કેન્યામાં એમ કહીને કચ્છીઓનું વતન સાથે સંધાન સાધીને જળતૃષ્ણાનો ભાવવાહી ઉલ્લેખ કર્યો હતો.
નરેન્દ્ર મોદીના જય શ્રી સ્વામિનારાયણ
પૂર્વી આફ્રિકી દેશોમાં વસતાં અંદાજે ૧૮ હજાર કચ્છીઓને કચ્છી ભાષામાં સંબોધન કરતાં સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદીએ મડે કચ્છી ભા ભેણેં કે જય શ્રી સ્વામિનારાયણ કહીને દિલ જીત્યા હતા. તો પ્રવચનના અંતિમ શબ્દો પણ જય શ્રી સ્વામિનારાયણ સાથે પૂર્ણ કર્યા હતા.
વડા પ્રધાન મોદીએ પ્રમુખ રામજીભાઇ ડી. વરસાણી, ઉપપ્રમુખ નારણભાઇ વડોદરિયા, મોમ્બાસા, બ્રિટન અને ભુજ લેઉવા પટેલ સમાજના પ્રમુખોને સંબોધી સૌ કચ્છી ભાઇ-બહેનો, યુવાનો અને બાળકોના ઉલ્લેખ કરીને વક્તવ્યની પીઠિકા બાંધી હતી.
કચ્છીઓએ દેશવિદેશમાં સંબોધન નિહાળ્યું
આ સંવાદ અને વડા પ્રધાનના સંબોધનને નૈરોબી વેસ્ટ સંકુલમાં ઉપસ્થિત પાંચ હજાર કચ્છીઓએ પ્રત્યક્ષ જ્યારે સવા લાખ કચ્છીઓએ યુકે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, અખાતી દેશોમાં ઇન્ટરનેટના માધ્યમથી નિહાળ્યું હતું.